
ભાવનગર, 21 ઓગસ્ટ (હિ.સ.)વિશ્વ મચ્છર દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોનગઢની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ જનજાગૃતિ અને માહિતી-શિક્ષણ-સંચાર (IEC) કામગીરી હાથ ધરવામાં આવી હતી. મચ્છરજન્ય રોગો અંગે લોકોમાં જાગૃતિ વધે તેમજ રોગચાળાથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવામાં આવે તે હેતુથી પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ તથા જાહેર સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગો અંગે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સરળતાથી માહિતી સમજાય તે માટે વિડીયો પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. મચ્છર દ્વારા ફેલાતા રોગો, તેના લક્ષણો તથા રોગથી બચવા માટે રાખવાની કાળજી અંગે આરોગ્ય કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મચ્છરના પોરાનું પ્રદર્શન યોજી મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને પાણી ભરાયેલા સ્થળોએ મચ્છરના પોરા કેવી રીતે વિકસે છે તેની પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. વાહકજન્ય રોગો અંગેની માહિતી પત્રિકાઓનું વિતરણ કરી લોકોને મચ્છરજન્ય રોગો સામે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.
મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવું, પાણીની ટાંકી તથા પાત્રોને ઢાંકીને રાખવા, કૂલર અને અન્ય પાણીના પાત્રોની નિયમિત સફાઈ કરવી તેમજ મચ્છર વિરોધી જરૂરી પગલાં લેવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.
આ સમગ્ર IEC કામગીરી દ્વારા વિદ્યાર્થીઓ, બાળકો, વાલીઓ અને જાહેર જનતામાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવી સ્વચ્છ અને રોગમુક્ત વાતાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA