
પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.) : સાંતલપુર રેલવે સ્ટેશન નજીક આવેલા ઠાકોરવાસ વિસ્તારમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોને રાહત મળે તે માટે સીસી રોડનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ શક્તિસિંહ જાડેજાની ગ્રાન્ટમાંથી મંજૂર કરાયેલો આ રોડ હવે પૂર્ણતાના આરે પહોંચ્યો છે.
ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. સમસ્યાના કાયમી ઉકેલ માટે મજબૂત અને ટકાઉ સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. સરકારના નિર્ધારિત ધારાધોરણો મુજબ ગુણવત્તાસભર મટીરીયલનો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. સાંતલપુરના સરપંચ રજનબા જયેન્દ્રસિંહ જાડેજા અને તલાટી હરેશભાઈ સાધુની દેખરેખ હેઠળ કામ ચાલી રહ્યું છે.
રોડનું કામ પૂર્ણ થયા બાદ ઠાકોરવાસના રહીશોને ચોમાસા દરમિયાન અવરજવરમાં મોટી રાહત મળશે. વિકાસલક્ષી કામગીરીથી સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. જનહિતના આ કાર્ય બદલ સ્થાનિક લોકોએ તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, સરપંચ રજનબા જાડેજા અને તલાટી હરેશભાઈ સાધુનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ