
- કાંકરિયાના પાર્કિંગમાં બે લક્ઝરી બસમાંથી 408 કિલો પનીર જપ્ત
અમદાવાદ,21 ઓગસ્ટ (હિ.સ.) મહારાષ્ટ્રએ રાજ્યમાં એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ બાદ ગુજરાતમાં રાજ્ય સરકારે એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.
કાંકરિયા દેડકી ગાર્ડન નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં બે લક્ઝરી બસમાં વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. 408 કિલોગ્રામ જેટલું લો ફેટ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને સીઝ કરવામાં આવ્યો છે.
લક્ઝરી બસમાં રાજસ્થાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. નરોડા અને મણીનગર વિસ્તારના બે વ્યક્તિ આ પનીરનો જથ્થો લેવા માટે આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા હાલમાં પનીરનો જથ્થો જપ્ત કરી અને સેમ્પલ માટે લેબ ટેસ્ટમાં મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો.તેજસ શાહે જણાવ્યું હતું કે, આજે 21 ઓગસ્ટના રોજ વહેલી સવારના સમયે કાંકરિયા વિસ્તારમાં દેડકી ગાર્ડન પાસે આવેલા પાર્કિંગમાં અરુણાચલ પ્રદેશના સિમ્બોલ વાળી બે લક્ઝરી બસમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં લો ફેટ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.
નરોડા અને મણિનગર વિસ્તારના બે લોકો આ પનીરનો જથ્થો લેવા માટે આવ્યા હતા. પ્રતિ કિલો 240ના ભાવે તેમને આ પનીરનો જથ્થો આપવામાં આવતો હતો. લક્ઝરી બસના લોકો દ્વારા લો ફેટ પનીરનો જથ્થો લાવવામાં આવતો હતો. જેમાં MRP 400થી 450 જેટલી લખેલી હતી.
આ પનીરના જથ્થાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ રાજસ્થાનના જોધપુર અને પાલીમાં હોવાનું સામે આવ્યું છે. જેથી રાજસ્થાનથી આ લો ફેટ પનીરનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની શક્યતા છે અને એનાલોગ પનીર હોવાની સંપૂર્ણપણે શક્યતા છે. જો કે ફૂડ વિભાગ દ્વારા આ પનીરનો જથ્થો સીઝ કરી અને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.
અંદાજિત 408 કિલો જથ્થો લાવવામાં આવ્યો હતો. સેમ્પલના પરિણામ આવ્યા પછી મેન્યુફેક્ચરિંગ યુનિટ અને લાવવામાં આવનાર તેમજ ખરીદનાર તમામ લોકોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ