ઝૂંપડપટ્ટી વિસ્તારમાં “શી” ટીમની મુલાકાત, મહિલાઓ અને બાળકોને સુરક્ષા-અધિકારો અંગે માર્ગદર્શન
બોટાદ, 21 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તથા સમાજમાં સુરક્ષા અને જાગૃતિનો સંદેશ વધુ અસરકારક રીતે પહોંચે તે હેતુથી “મિશન સુરક્ષિત શક્તિ” અંતર્ગત સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી હતી. મહિલા પોલીસ
શી ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરી


બોટાદ, 21 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તથા સમાજમાં સુરક્ષા અને જાગૃતિનો સંદેશ વધુ અસરકારક રીતે પહોંચે તે હેતુથી “મિશન સુરક્ષિત શક્તિ” અંતર્ગત સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશન અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની “શી” ટીમ દ્વારા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓએ મહિલાઓ અને બાળકો સાથે આત્મીય સંવાદ કરી તેમની રોજિંદી સમસ્યાઓ તેમજ સુરક્ષા સંબંધિત બાબતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓને તેમના કાનૂની અધિકારો, સુરક્ષા માટે ઉપલબ્ધ ઇમરજન્સી હેલ્પલાઇનો તથા મુશ્કેલી, હિંસા કે અન્ય કોઈ સંકટની પરિસ્થિતિમાં પોલીસની મદદ કેવી રીતે મેળવી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બાળકોને શિક્ષણ અને સાક્ષરતાના મહત્વ અંગે સમજાવવામાં આવ્યું હતું. બાળકોમાં આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધે તે માટે “શી” ટીમે તેમની સાથે હળવાશભર્યો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે બાળકોને ફળોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

પોલીસની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા, જરૂરિયાતના સમયે પોલીસની મદદ લેવા પ્રોત્સાહિત કરવા તથા સુરક્ષિત અને સન્માનપૂર્ણ જીવન માટે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો રહ્યો હતો. “સુરક્ષિત ઘર, સુરક્ષિત સમાજ, સુરક્ષિત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande