
સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મેગા ફૂડ સેફ્ટી ડ્રાઈવ હાથ ધરી હતી. આરોગ્ય અધિકારીની સૂચના મુજબ ફૂડ સેફ્ટી અધિકારીઓ અને વિવિધ ઝોનના સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમોએ શહેરના હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સઘન તપાસ હાથ ધરી હતી.
આ ઝુંબેશ દરમિયાન કુલ 209 હોટેલ-રેસ્ટોરન્ટ અને 71 ઢાબા મળી 280 ખાદ્ય એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 1,413.8 કિલો અખાદ્ય અને અસાત્વિક ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન અને ગંદકી જણાતા 154 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ગંભીર ક્ષતિઓ બદલ 14 એકમોને તાત્કાલિક સીલ કરવામાં આવ્યા હતા. મનપાની ટીમોએ કુલ રૂ.4.69 લાખથી વધુનો વહીવટી દંડ પણ વસૂલ્યો હતો.
કિચનથી લઈને પાણી અને સ્ટોરેજ સુધી તપાસ
ફૂડ સેફ્ટી ડ્રાઈવ દરમિયાન કિચનની સ્વચ્છતા, વાસી અથવા એક્સપાયરી થયેલા ખાદ્યપદાર્થોનો સંગ્રહ, ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, વપરાશમાં લેવાતા પાણીની ગુણવત્તા અને કચરાના યોગ્ય નિકાલ સહિતની બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પનીર, ચીઝ, બટર, છાશ અને એડિબલ ઓઈલ જેવા ડેરી અને અન્ય ખાદ્ય ઉત્પાદનો અંગે ડિસ્પ્લે બોર્ડ તથા મેનુ કાર્ડ પર જરૂરી વિગતો દર્શાવવામાં આવી છે કે નહીં તેની પણ ચકાસણી કરાઈ હતી. ડસ્ટબિનની વ્યવસ્થા, ડીપ ફ્રીઝની સ્થિતિ, અનાજનો સંગ્રહ અને કિચન એરિયાની સ્વચ્છતા સહિતના માપદંડો પણ તપાસવામાં આવ્યા હતા.
કયા ઝોનમાં શું કાર્યવાહી?
સેન્ટ્રલ ઝોન: 13 હોટેલ-રેસ્ટોરન્ટની તપાસમાં 49 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો, 9ને નોટિસ આપી રૂ.85,900નો દંડ વસૂલાયો.
ઈસ્ટ ઝોન-એ: 49 હોટેલ અને 8 ઢાબામાં તપાસ કરી 31.8 કિલો જથ્થાનો નાશ કરાયો. 9ને નોટિસ, એક એકમ બંધ અને રૂ.20,900નો દંડ કરાયો.
ઈસ્ટ ઝોન-બી: 9 હોટેલ અને 10 ઢાબામાં તપાસ દરમિયાન 55 કિલો અખાદ્ય જથ્થાનો નાશ થયો. 20 સંસ્થાને નોટિસ આપી રૂ.37,500નો દંડ વસૂલાયો.
વેસ્ટ ઝોન: 21 હોટેલની તપાસમાં 85 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 16ને નોટિસ, એક એકમ બંધ અને રૂ.70,500નો દંડ કરાયો.
નોર્થ ઝોન: એક હોટેલ અને 20 ઢાબાની તપાસ દરમિયાન 165 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. 17ને નોટિસ આપવામાં આવી અને 8 એકમો બંધ કરાવી રૂ.21,000નો દંડ વસૂલાયો.
સાઉથ ઝોન-એ: 9 હોટેલની તપાસમાં સૌથી વધુ 787 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. 9ને નોટિસ આપી, 2 એકમ બંધ કરાયા અને રૂ.68,000નો દંડ વસૂલાયો.
સાઉથ ઝોન-બી: 27 હોટેલમાં તપાસ કરી 21 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો અને 17ને નોટિસ આપી રૂ.24,700નો દંડ કરાયો.
સાઉથ વેસ્ટ ઝોન: 80 હોટેલ અને 5 ઢાબાની તપાસમાં 162 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. 29ને નોટિસ, 2 એકમ બંધ અને રૂ.68,500નો દંડ વસૂલાયો.
સાઉથ ઈસ્ટ ઝોન: 28 ઢાબામાં તપાસ કરી 58 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો. 28 સંસ્થાને નોટિસ આપી રૂ.72,000નો દંડ વસૂલવામાં આવ્યો.
42 નમૂના લેબોરેટરીમાં મોકલાયા
મનપાની ટીમોએ ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી માટે 13 ફોર્મલ અને 29 ઇન-ફોર્મલ મળી કુલ 42 નમૂના લીધા હતા. આ નમૂનાઓ પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાએ હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર અથવા ફૂડ સેફ્ટી નિયમોનો ભંગ કરનાર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ ખાદ્ય વિક્રેતાઓએ ગુણવત્તા, સ્વચ્છતા અને જરૂરી પ્રમાણપત્રોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા મનપાએ તાકીદ કરી છે.
સાથે જ નાગરિકોને પણ બહાર ભોજન લેતી વખતે સ્થળની સ્વચ્છતા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે સાવચેતી રાખવા તથા અસામાન્ય રંગ, વાસ કે શંકાસ્પદ ચીકાશ ધરાવતા ખોરાકનું સેવન ટાળવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ સ્થળે અસ્વચ્છતા કે ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જોવા મળે તો મનપાના ફૂડ વિભાગને જાણ કરવા પણ અપીલ કરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે