
સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : દેશની સરહદો પર દિવસ-રાત અડીખમ રહી માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવા માટે પી.પી. સવાણી ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી અને મહેશભાઈ સવાણીની પ્રેરણાથી ‘રાષ્ટ્ર રક્ષા સૂત્ર’ અભિયાન અંતર્ગત સુરતથી 30 હજારથી વધુ રાખડીઓ પરમ શક્તિપીઠ વાત્સલ્યધામ, વૃંદાવન મોકલવામાં આવશે.
પરમ શક્તિપીઠ વાત્સલ્યધામની સાધ્વી ઋતંભરા દેવીજી (પૂજ્ય દીદીમાં)ના માર્ગદર્શન હેઠળ છેલ્લા 24 વર્ષથી ‘રાષ્ટ્ર રક્ષા સૂત્ર’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે અભિયાનની 25મી વર્ષગાંઠ હોવાથી રજત જયંતી વર્ષમાં પી.પી. સવાણી ગ્રુપ પણ રાષ્ટ્રભક્તિના આ અભિયાનમાં જોડાયું છે.
દીકરીઓના હાથે તૈયાર થઈ ‘રાષ્ટ્રની રાખડી’
દેશની સરહદ પર ફરજ બજાવતા સૈનિક ભાઈઓ માટે પી.પી. સવાણી ગ્રુપની દીકરીઓ દ્વારા ખાસ સ્નેહ, લાગણી અને આશીર્વાદ સાથે રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ રાખડીઓ માત્ર રેશમનો દોરો નહીં, પરંતુ દેશની દીકરીઓ તરફથી સરહદ પર ઊભેલા પોતાના ભાઈઓ માટે સ્નેહ, આદર અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ છે.
પી.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ, મેનેજમેન્ટ, યુનિવર્સિટીની ટીમ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના હાથે રાખડીઓ બનાવી આ અભિયાનમાં ભાગ લીધો છે. વિદ્યાર્થીઓના આ પ્રયાસમાં દેશ માટે કંઈક કરવાની ભાવના અને સૈનિકો પ્રત્યેનો અતૂટ સ્નેહ જોવા મળ્યો હતો.
કચ્છથી લેહ-લદાખ સુધી પહોંચશે રાખડીઓ
સુરતમાંથી એકત્રિત કરવામાં આવેલી 30 હજારથી વધુ રાખડીઓ પરમ શક્તિપીઠ વાત્સલ્યધામ, વૃંદાવન ખાતે સાધ્વી ઋતંભરા દેવીજી (દીદીમાં)ને અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ત્યારબાદ રાખડીઓ કચ્છ બોર્ડરથી લઈને લેહ-લદાખ સુધી દેશની વિવિધ સરહદો પર તૈનાત જવાનો સુધી પહોંચાડવામાં આવશે.
પી.પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, “માતૃભૂમિની રક્ષા કરતા આપણા વીર સૈનિકો માટે આ માત્ર એક રાખડી નથી, પરંતુ દેશની દીકરીઓ, બહેનો અને સમગ્ર સમાજના હૃદયમાંથી નીકળેલો સ્નેહ, આદર અને આશીર્વાદ છે. ‘એક રાખડી, એક સૈનિક, એક રાષ્ટ્ર’ના ભાવ સાથે આ પહેલ દ્વારા સુરતની દીકરીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો, હોસ્પિટલ પરિવાર અને સમગ્ર પી.પી. સવાણી ગ્રુપ તરફથી સરહદ પર તૈનાત જવાનો સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ છે કે ‘તમે સરહદે એકલા નથી, સમગ્ર દેશ તમારી સાથે છે.’
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે