શ્રદ્ધા અને સમર્પણનું પાવન સંગમ: ઓલપાડના તેના ગામનું પૌરાણિક સ્તેનેશ્વર મહાલિંગમ્
સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના તેના ગામમાં તાપી નદી અને સમુદ્રના સંગમ નજીક આવેલું સ્તેનેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રાચીન અને પૌરાણિક કેન્દ્ર છે. માન્યતા મુજબ અહીંના સ્વયંભૂ શિવલિંગના દર્શન માત્રથી પાપકર્મનો
પૌરાણિક સ્તેનેશ્વર મહાલિંગમ્


સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના તેના ગામમાં તાપી નદી અને સમુદ્રના સંગમ નજીક આવેલું સ્તેનેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રાચીન અને પૌરાણિક કેન્દ્ર છે. માન્યતા મુજબ અહીંના સ્વયંભૂ શિવલિંગના દર્શન માત્રથી પાપકર્મનો ક્ષય થાય છે અને ખાસ કરીને ચોરીના પાપમાંથી મુક્તિ મળે છે. મંદિરની વિશેષતા એ છે કે અહીંનું શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ—ત્રિદેવના ત્રિલિંગ સ્વરૂપમાં વિભાજિત હોવાનું માનવામાં આવે છે, જેના કારણે તેને ગુરુ દત્તાત્રેયના સ્વરૂપ સાથે પણ જોડવામાં આવે છે.

સમુદ્રમંથન સાથે જોડાયેલી પૌરાણિક કથા

સ્તેનેશ્વર મહાદેવનો મહિમા સ્કંદપુરાણ અંતર્ગત તાપીપુરાણમાં વર્ણવાયો હોવાનું માનવામાં આવે છે. તાપી અને સમુદ્રના સંગમ સાથે જોડાયેલી આ પૌરાણિક કથા સમુદ્રમંથન સાથે સંબંધિત છે.

કથા અનુસાર દેવો અને અસુરો દ્વારા કરવામાં આવેલા સમુદ્રમંથનમાંથી જ્યારે ભગવાન ધન્વંતરી અમૃતકુંભ લઈને પ્રગટ થયા ત્યારે દેવોએ સર્વશ્રેષ્ઠ તીર્થમાં સ્નાન કર્યા બાદ અમૃતનું સેવન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે બ્રહ્માજીએ સૂર્યપુત્રી તાપી અને સમુદ્રના સંગમને શ્રેષ્ઠ તીર્થ ગણાવી ત્યાં અમૃતપાન કરવાથી દેવોનું કલ્યાણ થશે તેમ જણાવ્યું હતું.

બ્રહ્મા સહિત દેવો તાપી-સમુદ્ર સંગમ ખાતે પહોંચ્યા અને દર્ભ પર અમૃતકુંભ મૂકીને સ્નાન કરવા ગયા. આ દરમિયાન એક માયાવી અસુરે મુનિના વેશમાં અમૃતકુંભની ચોરી કરી લીધો. અમૃતકુંભ પરત મેળવવા દેવો અને અસુરોએ ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને આ પવિત્ર સ્થાન પર પ્રગટ થયેલા દિવ્ય મહાલિંગને ‘સ્તેનેશ્વર’ નામ મળ્યું હોવાનું પૌરાણિક વર્ણન છે.

આ જ સ્થળે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી અસુરોને મોહિત કર્યા અને દેવોને અમૃતપાન કરાવ્યું હોવાનું પણ કથામાં જણાવાય છે. આ કારણે સ્તેનેશ્વર તીર્થને દેવોને આનંદ આપનાર અને મનોરથ પૂર્ણ કરનાર તીર્થ તરીકે વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

ચોરીના પાપમાંથી મુક્તિની માન્યતા

સંસ્કૃતમાં ‘સ્તેન’નો અર્થ ચોરી થાય છે. તેથી ‘સ્તેનેશ્વર’નો અર્થ ચોરી ગયેલી વસ્તુ પરત અપાવનાર અને ચોરીના પાપનો નાશ કરનાર ભગવાન તરીકે કરવામાં આવે છે. આ જ માન્યતાને કારણે સ્તેનેશ્વર મહાદેવનો મહિમા અન્ય તીર્થોથી વિશિષ્ટ માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતા મુજબ અહીં દર્શન, પૂજન અને તાપી-સંગમમાં સ્નાનનું વિશેષ પુણ્ય મળે છે. ખાસ કરીને માગશર સુદ એકાદશી, મૌની એકાદશી અને મોક્ષદા એકાદશીના દિવસે સ્તેનેશ્વર તીર્થનું મહત્ત્વ વિશેષ ગણવામાં આવે છે.

શ્રાવણમાં ભક્તોની ભારે ભીડ

હાલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સ્તેનેશ્વર મહાદેવના દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. અનેક ભક્તો કાવડ લઈને અને પગપાળા મંદિર સુધી પહોંચી ભગવાન શિવનું પૂજન-અર્ચન કરે છે.

શ્રાવણના પવિત્ર દિવસોમાં મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠે છે. તાપી નદી અને સમુદ્રના પવિત્ર સંગમની નજીક આવેલું આ પ્રાચીન તીર્થસ્થાન ધાર્મિક આસ્થા, પૌરાણિક પરંપરા અને પ્રકૃતિના અનોખા સંગમ તરીકે શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande