રાણપુર તાલુકાના ખસ ગામે વીજ કરંટ લાગતાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત
બોટાદ, 21 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં આવેલી વાડીમાં વીજ કરંટ લાગતાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે રાણપુર પોલીસે બેદરકારી દાખવનાર વાડીમાં રહેતા શખ્સ સામે ગુનો નોંધી
મૃતક


બોટાદ, 21 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં આવેલી વાડીમાં વીજ કરંટ લાગતાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે રાણપુર પોલીસે બેદરકારી દાખવનાર વાડીમાં રહેતા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ખસ ગામની સીમમાં બોટાદના કનુભાઈ કાઠી દરબારની વાડી આવેલી છે. આ વાડીમાં રહેતા સરદારભાઈ દોલુભાઈ મોરીએ પોતાના ખેતરના શેઢા પાસે પાતળા તાર લગાવી તેમાં વીજ કરંટ મુક્યો હોવાનું સામે આવ્યું છે. દરમિયાન ગામના વિજયભાઈ, ઉંમર આશરે 35 વર્ષ, તથા નાનજીભાઈ ધનજીભાઈ પીપળીયા, ઉંમર આશરે 33 વર્ષ, ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.

આ સમયે ખુલ્લા વીજતારમાં અચાનક કરંટ લાગતાં બંને યુવાનો ગંભીર રીતે વીજ શોકનો ભોગ બન્યા હતા અને ઘટનાસ્થળે જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાને પગલે મૃતક યુવાનોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. ખુલ્લા તાર મારફતે વીજ કરંટ મુકવો જોખમી અને જીવલેણ હોવાનું જાણવા છતાં આવી બેદરકારી દાખવવા બદલ સરદારભાઈ દોલુભાઈ મોરી સામે રાણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી બનાવની સમગ્ર પરિસ્થિતિ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande