
સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : સુરત શહેરમાં પાંચ દિવસ જૂની બોલાચાલીનો મામલો લોહિયાળ બનાવમાં ફેરવાયો છે. બાળકને મારવાની બાબતે થયેલા વિવાદ બાદ આરોપીઓએ મનદુઃખ રાખીને મોડી રાત્રે એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્લાસ્ટિક ભંગારનો વ્યવસાય કરતા મોહમ્મદ રુસ્તમ સૈયદના ઘરે ઘૂસીને તલવાર અને ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં તેમના પુત્ર સલમાન સૈયદનું મોત થયું હતું, જ્યારે તેના ત્રણ ભાઈ સરફરાઝ, ઝાકીર અને સમીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ તપાસ મુજબ, ચારથી પાંચ દિવસ પહેલાં મૃતકના સંબંધીના નાના બાળકને આરોપી શોભાન ઇસરાઇલ શાહે માર માર્યો હતો. આ મુદ્દે સમીરે શોભાનને ઠપકો આપતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્થાનિકોએ ત્યારે મામલો શાંત પાડી દીધો હતો, પરંતુ આરોપીઓએ અદાવત રાખી પૂર્વ આયોજન સાથે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અથડામણ દરમિયાન હુમલાખોર પક્ષના બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મુખ્ય આરોપી શોભાન ઇસરાઇલ શાહ સહિત કુલ પાંચ આરોપીઓને, જેમાં એક સગીર પણ સામેલ છે, ઝડપી લીધા છે. ઈજાગ્રસ્ત આરોપીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મૃતકના પરિવારે આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરીને ઝડપી ન્યાય અપાવવાની માંગ કરી છે, જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે