
ભાવનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં રહેતા ગોસ્વામી અંકિતાબેન આજે પોતાની આવડત અને મહેનતના બળે સ્વરોજગાર તરફ આગળ વધી રહ્યા છે. અગાઉ ઘરકામ પૂરતા સીમિત રહેલા અંકિતાબેને હવે વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ જાતે તૈયાર કરી તેનું વેચાણ શરૂ કર્યું છે. રક્ષાબંધન પર્વની સિઝનમાં રાખડીના વ્યવસાય થકી તેઓ એક મહિનામાં સરેરાશ રૂ.50 હજારથી રૂ.60 હજાર કે તેથી વધુની આવક મેળવી રહ્યા છે.
હાલ રક્ષાબંધન પર્વ નજીક આવતા બજારોમાં રાખડીઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ગ્રાહકોને આકર્ષવા માટે બજારમાં વિવિધ ડિઝાઇન અને અલગ અલગ પ્રકારની રાખડીઓ ઉપલબ્ધ છે. અંકિતાબેન પણ આ સિઝનને ધ્યાનમાં રાખીને 20થી 25 પ્રકારની રાખડીઓ જાતે તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે.
અંકિતાબેનના જણાવ્યા મુજબ, તેઓ દર વર્ષે અલગ અલગ સ્થળોએ રાખડીઓના સ્ટોલ લગાવી વેચાણ કરે છે. આ વર્ષે જવાહર મેદાન ખાતે પણ રાખડીઓનો સ્ટોલ લગાવવામાં આવ્યો છે. સખી મંડળ સાથે જોડાયેલી બહેનો સીઝનલ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરીને આવક મેળવી રહી છે. હાલમાં ક્રિસ્ટલની રાખડી ટ્રેન્ડિંગમાં છે. આ ઉપરાંત કાર્ટૂન રાખડી, રુદ્રાક્ષ રાખડી, સુખડ-ચંદનની રાખડી તેમજ ભાઈ-ભાભી કોમ્બો રાખડીની પણ માંગ જોવા મળી રહી છે.
અંકિતાબેનના સ્ટોલ પર રાખડીઓ રૂ.10થી શરૂ થઈને રૂ.200 સુધીના ભાવે ઉપલબ્ધ છે. તેઓ કેટલીક રાખડીઓ જાતે તૈયાર કરે છે તો કેટલીક તૈયાર લાવીને પણ વેચે છે. તેમના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેચાણ સારો રહ્યો છે અને ગ્રાહકોનો પ્રતિસાદ પણ ઉત્સાહજનક મળ્યો છે.
આ પ્રકારના નાના વ્યવસાય થકી મહિલાઓ માત્ર પરિવારની આવકમાં સહભાગી જ બનતી નથી, પરંતુ પોતાની આગવી ઓળખ ઊભી કરી આત્મનિર્ભરતા તરફ પણ આગળ વધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA