
ભાવનગર, 22 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર શહેરમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે હાથ ધરવામાં આવેલા વિવિધ નવીન પ્રયાસોને ગુજરાત સરકાર દ્વારા વિશેષ માન્યતા મળી છે. ભાવનગરના 5R અભિગમ આધારિત પ્રોજેક્ટ્સનો ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત પ્રતિષ્ઠિત કોફી ટેબલ બુકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સને પુસ્તકના પેજ નંબર 78 અને 79 પર સ્થાન આપવામાં આવ્યું છે.
ભાવનગરના 5R અભિગમમાં Reduce, Reuse, Recycle, Recover અને Refuseનો સમાવેશ થાય છે. આ પાંચેય સિદ્ધાંતોના માધ્યમથી કચરાનું પ્રમાણ ઘટાડવા, વસ્તુઓનો પુનઃઉપયોગ કરવા, રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા, ઉપયોગી સંસાધનોને પુનઃપ્રાપ્ત કરવા તથા બિનજરૂરી વસ્તુઓનો ઇનકાર કરવા અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગરના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીએ આ માન્યતા બદલ ગુજરાત સરકાર, CMO ગુજરાત, સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સન્માન માત્ર વ્યક્તિગત ગૌરવ નથી, પરંતુ ભાવનગરના નાગરિકો, સ્વચ્છતા કર્મચારીઓ અને પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત તમામ લોકોના સહિયારા પ્રયાસોની ઓળખ છે.
આ માન્યતા ભાવનગરને વધુ સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ શહેર બનાવવા માટેના પ્રયાસોને નવી પ્રેરણા આપશે. 5R અભિગમ દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને જનભાગીદારી સાથે જીવનશૈલીનો ભાગ બનાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA