
પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર
જિલ્લામાં રાષ્ટ્રીયધોરી માર્ગ
NH-27 અને NH-51 પર ગેરકાયદેસર દબાણો, અનધિકૃત પ્રવેશ
માર્ગો, ગેરકાયદેસર મિડિયન ગેપ અને અન્ય અવરોધો સામે NHAI દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી 24 ઓગસ્ટ, 2026થી વિશેષ અમલીકરણ અભિયાન શરૂ કરાશે.
NHAI PIU રાજકોટ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના સહયોગ થી આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાઇવેની રાઈટ ઓફ વે (ROW)માં આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા અગાઉ થી સંબંધિત વ્યક્તિઓને નોટિસો આપવામાં આવી હોવાનું જણાવાયું છે. હવે નિર્ધારિત સમય મર્યાદામાં દબાણો દૂર નહીં કરનાર સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરાશે.અભિયાન દરમિયાન હાઇવેને અડીને આવેલી ખાનગી મિલકતો, હોટેલ, પેટ્રોલ પંપ તથા ઔદ્યોગિક એકમો દ્વારા મંજૂરી વિના બનાવાયેલા પ્રવેશ માર્ગો પણ બંધ કરવામાં આવશે. માર્ગ સલામતી માટે જોખમી અનધિકૃત મિડિયન ગેપ કાયમી ધોરણે બંધ કરવાની કાર્યવાહી કરાશે. NHAIની જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. NHAIના નિયમો મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાનગી મિલકત, હોટેલ, પેટ્રોલપંપ
કે ઔદ્યોગિક એકમ માટે પ્રવેશમાર્ગ બનાવવા NHAIની
પૂર્વમંજૂરી ફરજિયાત છે. મંજૂરી વિના બનાવેલો કોઈ પણ પ્રવેશ માર્ગ ગેરકાયદેસર ગણાશે.
NHAI PIU રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ્લાહ ખાને જણાવ્યું કેરોડ યુઝર્સની સલામતી સર્વોપરી છે અનેમાર્ગ સલામતી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.નિર્ધારિત સમય મર્યાદા બાદ કરવામાં આવતી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે. કાર્યવાહી દરમિયાન થનારો ખર્ચ તથા નુકસાન સંબંધિત વ્યક્તિ કે સંસ્થા પાસેથી વસૂલવામાં આવશે. NHAIએ નાગરિકો, વેપારીઓ અને મિલકત ધારકોને પોતાના અનધિકૃત દબાણો તથા પ્રવેશ માર્ગો સ્વયં અને સ્વખર્ચે દૂર કરી કાર્યવાહી દરમિયાન સહકાર આપવા અપીલ કરી છે. આ કાર્યવાહી સાઇટ એન્જિનિયર વત્સલ પરસાણીયા અને પ્રશાંત રાંગારીની આગેવાની હેઠળ હાથ ધરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya