
પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.) : પાટણના ઐતિહાસિક રાણકી વાવ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ લાઈનમાં રહેતા બાળકો સહિત આશરે 200 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં સરદાર પટેલના જીવન, દેશસેવા અને રાષ્ટ્રીય એકતાના વિચારો અંગે જાગૃતિ કેળવવાનો હતો. બાળકોને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સ્પર્ધામાં બાળકોએ પોતાના ચિત્રો દ્વારા સરદાર પટેલના દેશ માટેના યોગદાન, રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ સુંદર રીતે રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાણકી વાવનું વાતાવરણ દેશભક્તિ તથા પ્રેરણાથી ભરાઈ ગયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ