



પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુરની કુંવારીકા સરસ્વતી નદી ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો મૂર્તિ વિસર્જન માટે ઉમટી પડ્યા હતા. મધુપાવડીયા ચેકડેમ નજીક સરસ્વતી નદીના કિનારે ભક્તિમય વાતાવરણ સાથે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.
દશ દિવસ સુધી દશામાની પૂજા-અર્ચના કર્યા બાદ ભક્તોએ રાત્રિ જાગરણ કરી વહેલી સવારે ધાર્મિક વિધિ સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા સહિત જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે દશામાની મૂર્તિ વિસર્જન માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
સ્થાનિક તંત્ર, નગરપાલિકા અને પોલીસ ટીમ દ્વારા પણ સમગ્ર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ