
પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.)પાટણ વણકર સમાજ વિકાસ મંડળના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાંસાપુર ખાતેની વણકર સમાજની વાડીમાં યોજાઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે રસિકભાઈ મકવાણાએ ફરજ બજાવી હતી. મહામંત્રી, ચાર ઉપપ્રમુખ, સહમંત્રી, સંગઠન મંત્રી અને ખજાનચી સહિતના હોદ્દાઓ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અગાઉ પ્રમુખ પદની ચૂંટણીમાં મહેલભાઈ હેમચંદભાઈ વાઘેલા (બાલીસણા) વિજેતા બન્યા હતા. મહામંત્રી પદ માટે દિનેશભાઈ સોલંકી અને પ્રવીણભાઈ સોલંકી વચ્ચે ચૂંટણી યોજાતા દિનેશભાઈ સોલંકી વિજેતા થયા હતા.
ચાર ઉપપ્રમુખ પદ માટે કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં નરેન્દ્રભાઈ એલ. વાણીયા, નરેન્દ્રભાઈ રાઠોડ, વિનોદભાઈ પરમાર અને નટવરલાલ મછાવડા ચૂંટાયા હતા. સહમંત્રીના ત્રણ પદ માટે અમૃતભાઈ એસ. પરમાર, પી.પી. સુતરીયા અને હરગોવનભાઈ એસ. પરમાર બિનહરીફ ચૂંટાયા હતા. મહેન્દ્રકુમાર એન. પરમાર સંગઠન મંત્રી તથા મહેશભાઈ એ. સોલંકી અને બાબુભાઈ એમ. સોલંકી ખજાનચી તરીકે બિનહરીફ જાહેર થયા હતા.
ચૂંટણી પ્રસંગે પ્રમુખ મહેલભાઈ વાઘેલાએ સમાજના વિકાસ માટે આગામી સમયમાં વર્તમાન મકાન ખાતે ચાર માળના નવા સમાજ ભવનના નિર્માણની યોજના રજૂ કરી હતી. ચૂંટણી અધિકારી રસિકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સંસ્થાના હોદ્દેદારો માટે પ્રથમવાર ચૂંટણી પ્રક્રિયા યોજાઈ છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાનુકૂળ વાતાવરણમાં અને પારદર્શક રીતે સંપન્ન થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ