
સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના પુણા વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ સ્થિત એક લુમ્સ કારખાનામાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કારખાનામાં મોટી માત્રામાં કાપડનો જથ્થો હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાના સમયે બે કામદારો બિલ્ડિંગના પાંચમા માળે ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં શહેરના વિવિધ ફાયર સ્ટેશનોમાંથી 13 ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો અને જોખમ વચ્ચે બંને કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યું.
આગની ઘટનામાં એક વ્યક્તિ દાઝી જતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમયસર હાથ ધરાયેલી કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે