ઉનાના સામતેરમાં સિંહણ અને તેના બચ્ચાએ વાછરડાનું મારણ કર્યું, રાવલ નદી કાંઠે શિકાર બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ
ગીર સોમનાથ, 22 ઓગસ્ટ (હિ.સ.) : ઉના તાલુકાના સામતેર ગામમાં રાવલ નદીના કાંઠે એક સિંહણ અને તેના સિંહબાળેવાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગીર જંગલના બોર્ડર વિસ્તારમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે. મળતી માહિતી મુજ
ઉનાના સામતેરમાં સિંહણ અને તેના બચ્ચાએ વાછરડાનું મારણ કર્યું, રાવલ નદી કાંઠે શિકાર બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ


ગીર સોમનાથ, 22 ઓગસ્ટ (હિ.સ.) : ઉના તાલુકાના સામતેર ગામમાં રાવલ નદીના કાંઠે એક સિંહણ અને તેના સિંહબાળેવાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગીર જંગલના બોર્ડર વિસ્તારમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે.

મળતી માહિતી મુજબ, ગત રાત્રિ દરમિયાન સિંહણ અને સિંહબાળ શિકારની શોધમાં રાવલ નદીના પટમાંથી ગામ તરફ આવી પહોંચ્યા હતા. ગ્રામ પંચાયત ભવનની બિલકુલ નજીક આવેલા નદી કાંઠાના વિસ્તારમાં તેમણે એક વાછરડાનો શિકાર કર્યો હતો.

મારણ કર્યા બાદ સિંહણ અને બચ્ચું લાંબો સમય ત્યાં રોકાઈને ભોજન લીધું હતું. વહેલી સવારે તેઓ પેટપૂજા કર્યા બાદ ફરી સીમ વિસ્તાર તરફ રવાના થઈ ગયા હતા. જોકે, સિંહ પરિવાર ગામની બહાર નીકળી ગયો હોવા છતાં રાત્રિના સમયે સિંહોની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ યથાવત છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાવલ નદીનો પટ ગામની નજીક હોવાથી સિંહો સહિતના વન્યજીવો અવારનવાર આ વિસ્તારમાં આવી ચડે છે. સામતેર ઉપરાંત કાણકબરડા, ગરાળ, સુલતાનપુર,નેસડા તેમજ નાંદરખ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સિંહોની સતત અવરજવર જોવા મળે છે. તક મળતા સિંહો પશુઓનું મારણ કરતા હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે.

ખેતરોમાં રાત્રિના સમયે જતા ખેડૂતો અને માલધારીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે રાવલ નદી કાંઠા તેમજ સીમ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને સિંહોની અવરજવર પર નજર રાખવાની માંગ કરી છે, જેથી માનવ-વન્યજીવ સંઘર્ષની કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ગ્રામજનોના મતે, વન વિભાગનું પેટ્રોલિંગ કાગળ પર જ હોય તેવું લાગે છે અને આ વિસ્તારમાં સિંહોનો કાયમી વસવાટ લોકો માટે ભયજનક બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande