
સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.) : અમરોલી વિસ્તારમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ લગ્ન કરવાની લાલચ આપી દોઢ વર્ષ સુધી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ તેણીની પાસેથી 10 તોલા દાગીના પણ પડાવ્યા હતા. જો કે, યુવતીએ લગ્ન કરવાની વાત કરતા નરાધમ પ્રેમીએ લગ્ન કરવાનો ઈન્કાર કરી તરછોડી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછાના રાજપૂત ફળિયામાં રહેતા ગીરીશભાઈ દેવરાજભાઈ પટેલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને યુવતીને તેની સાથે લગ્ન કરવાના સપના બતાવી છેલ્લા દોઢેક વર્ષથી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન ગીરીશએ યુવતી પાસેથી તેના 10 તોલા સોનાના દાગીના પણ લઈ લીધા હતા. જોકે યુવતીએ લગ્ન કરવાની વાત કરતા ગીરીશ ખોટા ખોટા બહાના કાઢી સમય પસાર કર્યા બાદ યુવતીને તેની સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો તેમજ તેની પાસેથી લીધેલા દાગીના પણ પરત આપ્યા ન હતા. યુવતીને ખ્યાલ આવી ગયો કે ગીરીશે લગ્નની લાલચ આપી તેનું શારીરિક શોષણ કયું છે. સમગ્ર મામલે યુવતીએ ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે ગીરીશ પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે