


પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.)પાટણ ખાતે સરસ્વતી નદીના તટે પાટણવાડા ચૌધરી સમાજ દ્વારા ‘માં અર્બુદા પ્રાણ પ્રતિષ્ઠા અને દિવ્ય જ્યોત મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય મહોત્સવનો હેતુ ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ, સામાજિક સુધારા અને સમાજની એકતાને મજબૂત કરવાનો છે.
મહોત્સવના ભાગરૂપે પરંપરાગત વેશભૂષામાં સજ્જ સમાજના ભાઈ-બહેનો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આદર્શ વિદ્યાસંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
ધાર્મિક કાર્યક્રમમાં સંત બટુકબાપુ, નાથી માં સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે કનુભાઈ ડી. ચૌધરી હાજર રહ્યા હતા, જ્યારે તેજાભાઈ વી. ચૌધરીએ લોકસાહિત્યનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.
21 અને 22 ઓગસ્ટે વિવિધ ધાર્મિક વિધિઓ, પૂજા, શોભાયાત્રા, જળયાત્રા અને આરતી યોજાઈ હતી. 23 ઓગસ્ટે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાહુતિ સાથે મહોત્સવ સંપન્ન થશે. ત્રણેય દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે નવી પેઢીને સંસ્કૃતિ, પરંપરા, શિક્ષણ અને એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ