ચોમાસા અને તહેવારોની સિઝનને લઈ સિહોરમાં બરફ ફેક્ટરીનું આરોગ્ય વિભાગે કર્યું ચેકિંગ
ભાવનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : સિહોર શહેરમાં ચોમાસાની ઋતુ અને આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાલુકા હેલ્થ કચેરીના સુપરવાઈઝર દ્વારા સિહોર અર્બ
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ ચેકિંગની કામગીરી


ભાવનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : સિહોર શહેરમાં ચોમાસાની ઋતુ અને આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાલુકા હેલ્થ કચેરીના સુપરવાઈઝર દ્વારા સિહોર અર્બન વિસ્તારમાં આવેલી બરફની ફેક્ટરીની મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન બરફના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવત્તા અંગે જરૂરી તપાસ કરવામાં આવી હતી. ફેક્ટરી ખાતે આવેલી સ્ટોરેજ ટેન્ક તેમજ પ્રોડક્શન ટેન્કમાંથી પાણીના નમૂના લઈ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બરફના ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પાણીમાં યોગ્ય પ્રમાણમાં ક્લોરિન જળવાઈ રહે તે બાબતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વેક્ટર કંટ્રોલ અંતર્ગત કામગીરી પણ કરવામાં આવી હતી. ફેક્ટરી પરિસરમાં પાણી ભરાઈ રહે તેવી જગ્યાઓ તેમજ મચ્છરના પોરણસ્થળોની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

તહેવારો દરમિયાન બરફ સહિતની ખાદ્ય સામગ્રીનો વપરાશ વધતો હોવાથી તેના ઉત્પાદન અને સંગ્રહ સ્થળોએ સ્વચ્છતા જળવાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ફેક્ટરી સંચાલકોને પણ સ્વચ્છતા જાળવવા, પાણીની ગુણવત્તા અંગે નિયમિત તપાસ કરાવવા અને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કામગીરીનો મુખ્ય હેતુ નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બરફ મળી રહે તેમજ ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળો અટકાવી જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande