
પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ ફેમિલી કોર્ટે પત્ની અને સગીર પુત્રના ભરણપોષણની બાકી રકમ ન ચૂકવવા બદલ ITBP જવાન નરેન્દ્રસિંહ રાઠોડને 649 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે સજા વોરંટ પણ ઇશ્યૂ કરી આરોપીને જ્યાંથી મળે ત્યાંથી જેલમાં મોકલવા આદેશ કર્યો છે.
સિદ્ધપુર તાલુકાના ધનપુરા (વીડ), કાકોશી ખાતે રહેતા હર્ષાબેન અને તેમના સગીર પુત્ર કિરપાલસિંહને અગાઉ માસિક રૂ.5,000 અને રૂ.3,000 મળી કુલ રૂ.8,000 ભરણપોષણ તથા રૂ.1,000 અરજી ખર્ચ ચૂકવવાનો હુકમ થયો હતો.
01 ફેબ્રુઆરી 2022થી 01 મે 2025 સુધીના 39 મહિનાના રૂ.3.12 લાખ અને ખર્ચ મળી રૂ.3.13 લાખ ચૂકવવાના હતા. અગાઉ ચૂકવાયેલા રૂ.1.40 લાખ બાદ કરતાં રૂ.1.73 લાખની રકમ બાકી રહી હતી. ફરિયાદી તરફે સિદ્ધપુરના વકીલ ચીનુભાઈ બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી.
પાટણ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ બી.એચ. સોમાણીએ બાકી ભરણપોષણની કસૂર બદલ કુલ 649 દિવસની સાદી કેદનો હુકમ કર્યો છે. જોકે, આરોપી જેટલા માસની બાકી રકમ ચૂકવશે, તેટલા માસની સજા મજરે બાદ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ