જામનગરના ધ્રોલ નજીક મોબાઈલના ઝઘડા બાબતે યુવકને ઢીકા પાટુ મારી લાકડીથી હુમલો
જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ નજીક મોરાણા ગામે મોબાઇલ બાબતે બે વ્યક્તિ વચ્ચે ચાલતા ઝઘડામાં ભત્રીજાને સમજાવવા ગયેલા કાકા પર એક શખ્સે લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરિયાદ મુજબ ધૂં
હુમલો


જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ નજીક મોરાણા ગામે મોબાઇલ બાબતે બે વ્યક્તિ વચ્ચે ચાલતા ઝઘડામાં ભત્રીજાને સમજાવવા ગયેલા કાકા પર એક શખ્સે લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઈ છે.

ફરિયાદ મુજબ ધૂંવાવ હાઉસિંગ બોર્ડ, ઘુંવાવ ગામના સોમાભાઈ અજમલભાઈ વાઘેલા (ઉંમર 35) છેલ્લા એક મહિનાથી મોરાણા ગામે પોતાના મોટાભાઈ દિનેશભાઈના ઘરે રહેતા હતા. તા.20ના સાંજના સમયે તેઓ ભત્રીજા વિજયભાઈ સાથે તારાણા ગામે શાકભાજી લેવા ગયા હતા. રાત્રિના આશરે આઠ વાગ્યે પરત ફરતાં તેમના ભત્રીજા અજીતભાઈ અને દિનેશભાઈના સાળા રાજુભાઈ અબુભાઈ જખાનીયા વચ્ચે મોબાઇલ બાબતે બોલાચાલી થતી હોવાનું જણાવાયું હતું.

સોમાભાઈ રાજુભાઈને સમજાવવા જતા રાજુભાઈએ તેમની સાથે ગાળાગાળી કરી બોલાચાલી શરૂ કરી હતી. સોમાભાઈએ ગાળો આપવાની ના પાડતાં રાજુભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં રહેલી લાકડી વડે સોમાભાઈ પર ઘા માર્યો હતો. હુમલામાં સોમાભાઈ નીચે પટકાયા બાદ પણ તેમને લાકડી તથા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. તેમજ ગુપ્તાંગના ભાગે લાત મારતાં કોથળીમાં લોહી ભરાઈ જવા જેવી ઇજા થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

હુમલા બાદ રાજુભાઈએ ‘આજ તો તને પતાવી દેવો છે’ તેવી ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. ઇજાગ્રસ્ત સોમાભાઈને 108 મારફતે ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબે ડાબા ગાલ પાસે ફ્રેક્ચર જેવી ઇજા ઉપરાંત જમણા હાથની કોણી અને ડાબા પગના સાથળના ઉપરના ભાગે મૂઢ ઇજા તથા ગુપ્તાંગના ભાગે લોહી ભરાઈ ગયાની જાણ કરી હતી.

આ બનાવ અંગે સોમાભાઈ વાઘેલાની ફરિયાદના આધારે રાજુભાઈ અબુભાઈ જખાનીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 117(2), 352, 351(3) તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande