
જામનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર ફેમિલી કોર્ટ સમક્ષ ચાલતા છૂટાછેડાના કેસમાં અવિનીબેન દિલીપભાઈ માંકડ દ્વારા કલોલ, ગાંધીનગર નિવાસી પતિ કુંજલભાઈ મુનશી, સામે સદર ચાલુ દાવામાં ભરણપોષણ મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. ફેમિલી કોર્ટ દ્વારા અવિનીબેનની ભરણપોષણની અરજી નામંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ અવિનીબેન વિરુદ્ધ ખર્ચનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.
ફેમિલી કોર્ટના આ હુકમથી વ્યથિત થઈ અવિનીબેને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ, જેમાં ન્યાયમૂર્તિ ઇલેશ જે. વોરા તથા ન્યાયમૂર્તિ આર. ટી. વાછાણી સમક્ષ અપીલની સુનાવણી દરમિયાન કેસના રેકોર્ડ, ઉપલબ્ધ પુરાવાઓ તથા ફેમિલી કોર્ટમાં અનુસરવામાં આવેલી કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવી હતી.
હાઇકોર્ટ દ્વારા એ બાબતને મહત્વ આપવામાં આવ્યું કે ભરણપોષણ જેવા મહત્વપૂર્ણ હક અંગે નિર્ણય કરતી વખતે યોગ્ય ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવું, બંને પક્ષકારોને પૂરતી તક આપવી તથા રજૂ કરવામાં આવેલા સંબંધિત પુરાવાઓનું કાયદા મુજબ યોગ્ય અને ન્યાયસંગત મૂલ્યાંકન કરવું આવશ્યક છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા અપીલ મંજૂર કરવામાં આવી અને જામનગર ફેમિલી કોર્ટ દ્વારા અવિનીબેનની ભરણપોષણની અરજી નામંજૂર કરતો હુકમ રદ કરી સમગ્ર મામલો ફરીથી ચલાવવા માટે રિમાન્ડ કરવામાં આવ્યો. સાથે જ અવિનીબેન વિરુદ્ધ કરવામાં આવેલ ખર્ચનો હુકમ પણ રદ કરવામાં આવ્યો.
આ રીતે ગુજરાત હાઇકોર્ટના હસ્તક્ષેપથી અવિનીબેનને મહત્વપૂર્ણ ન્યાયિક રાહત મળી છે. આ નિર્ણય દ્વારા યોગ્ય ન્યાયિક પ્રક્રિયા, કુદરતી ન્યાયના સિદ્ધાંતો તથા સંબંધિત પુરાવાઓના યોગ્ય મૂલ્યાંકનનું મહત્વ પણ સ્પષ્ટ થાય છે.
હાઇકોર્ટ દ્વારા એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે ભરણપોષણ જેવા મહત્વપૂર્ણ હક અંગે નિર્ણય કરતી વખતે યોગ્ય ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવું, પક્ષકારોને યોગ્ય તક આપવી તથા રજૂ થયેલા સંબંધિત પુરાવાઓનું કાયદા મુજબ યોગ્ય મૂલ્યાંકન કરવું આવશ્યક છે.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અવિનીબેન તરફથી એડવોકેટ જૈમિન ડી. પંડ્યા તથા એડવોકેટ નિધિ ડી. પંડ્યા હાજર રોકાયેલાં હતા. જ્યારે જામનગર ફેમિલી કોર્ટ સમક્ષ અવિનીબેન તરફથી એડવોકેટ જાગૃતિબેન વ્યાસ તથા એડવોકેટ કલ્પનાબેન વ્યાસ રોકાયેલાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt