ભુજમાં ‘સર્જક સાથે સંવાદ’: યુવાનોને પત્રકારત્વ, સાહિત્ય અને AI યુગમાં સર્જનાત્મકતાની નવી દિશા
કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : ભુજમાં કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે ગુજરાત પ્રેસ અકાદમી, જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘પત્રકારત્વની કેડીએ.... યુવાનો અને સર્જકોનો સંવાદ’ વિષયક ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો
સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : ભુજમાં કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે ગુજરાત પ્રેસ અકાદમી, જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘પત્રકારત્વની કેડીએ.... યુવાનો અને સર્જકોનો સંવાદ’ વિષયક ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં પત્રકારત્વ અને સાહિત્ય પ્રત્યે સર્જનાત્મક અભિગમ વિકસાવવાની સાથે બદલાતા ટેક્નોલોજી યુગમાં જવાબદાર લેખન અને વિચારશક્તિને પ્રોત્સાહન આપવાનો હતો.

કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે અને રાજકોટ-જુનાગઢ ઝોનના સંયુક્ત માહિતી નિયામક મિતેષભાઈ મોડાસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

જયેશ દવેએ જણાવ્યું હતું કે માધ્યમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું હોવા છતાં માનવીય સંવેદનાનું સ્થાન કોઈ ટેક્નોલોજી લઈ શકે નહીં. ‘રીલ’ અને ‘પોસ્ટ’ના સમયમાં દરેક વ્યક્તિ અભિવ્યક્તિ કરી શકે છે, પરંતુ સત્ય, ભાષાશુદ્ધિ અને જવાબદારી સાથે લખવાની જરૂરિયાત વધુ વધી છે. સર્જક અને પત્રકારની ફરજ છે કે તેમનો સંદેશ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચે.

મિતેષભાઈ મોડાસિયાએ યુવાનોને સોશિયલ મીડિયાના આભાસી વિશ્વ પૂરતા સીમિત ન રહેતા સર્જકો સાથે રૂબરૂ સંવાદ કરવા અને રાષ્ટ્રના વિકાસમાં પોતાની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.કવિ અને કટાર લેખક જયન્તી જોશી ‘શબાબ’એ પત્રકારત્વને સમાજને સત્ય અને જ્ઞાન પહોંચાડવાનું માધ્યમ ગણાવી પૂર્વગ્રહથી મુક્ત, સમતુલિત અને સંવેદનશીલ પત્રકારત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતે પત્રકારે પરિસ્થિતિઓ વચ્ચે પોતાની આગવી કેડી કંડારી પરિણામલક્ષી કાર્ય કરવું જોઈએ.

યુવા વાર્તાકાર અજય સોનીએ વાચન, અભ્યાસ અને આવડતને સર્જનાત્મકતાનો આધાર ગણાવ્યો હતો. તેમણે AIને માનવનો વિકલ્પ નહીં પરંતુ સહાયક ગણાવી યુવાનોને ટેક્નોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સલાહ આપી હતી. તેમણે બદલાતા સમયમાં ઓડિયો બુક, પોડકાસ્ટ અને ડિજિટલ માધ્યમો દ્વારા સાહિત્ય સાથે જોડાવા અને દરેક વિચારને સ્વીકારતા પહેલાં પોતાની વિવેકબુદ્ધિથી તેની ચકાસણી કરવા જણાવ્યું હતું.

કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલે કચ્છને સાહિત્ય માટે ખુલ્લી પ્રયોગશાળા સમાન ગણાવી યુવાનોને લોકસંસ્કૃતિ અને સાહિત્યિક મૂલ્યોના જતન સાથે સર્જનક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ હતી અને વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ આભારવિધિ કરી હતી, જ્યારે હનીબેન રાઠોડે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કચ્છ યુનિવર્સિટીના અધિકારીઓ, માહિતી વિભાગના કર્મચારીઓ અને ભાષા ભવનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande