


કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહેલા શિક્ષકો માટે ગૌરવભરી ક્ષણ આવી છે. વર્ષ ૨૦૨૬ના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કચ્છના કુલ ૧૭ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. શિક્ષક દિન એટલે કે ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પસંદગી પામેલા શિક્ષકોને વિવિધ કક્ષાએ સન્માનિત કરવામાં આવશે.
રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે ભચાઉ તાલુકાના વ.કટારીયા સ્થિત વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષક કુલદીપસિંહ એમ. જાડેજાની પસંદગી થઈ છે. જ્યારે જિલ્લા કક્ષાના સન્માન માટે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયનાં મદદનીશ શિક્ષિકા ભાવિનીબેન એમ. ત્રિપાઠી, નિરોણાની પી.એ. હાઇસ્કૂલના આચાર્ય ડૉ. વિષ્ણુ એમ. ચૌધરી, ભુજ શાળા નંબર ૧૦નાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર ડૉ. હેતલબેન એમ. ગોસ્વામી અને ચોબારી (મોમાયમોરા) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શંકરલાલ પી. ગામોટ પસંદગી પામ્યા છે.
તાલુકા કક્ષાએ પણ વિવિધ તાલુકાના શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરીને માન્યતા મળી છે. જેમાં મુન્દ્રાના જબલપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જીગરકુમાર બી. પટેલ, ભચાઉની અમરસર પ્રાથમિક શાળાનાં અમીબેન કે. ચનિયારા, લખપતની ગુનેરી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હિતેશકુમાર એમ. ચૌધરી, કલરાવાંઢ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ગોવિંદભાઈ નેમાંભાઈ કુંભાર, મુન્દ્રાની ઝરપરા શાળા નંબર ૨નાં વૈશાલીબેન વી. હડિયા, માંડવીની તાલુકા ગ્રુપ શાળા નંબર ૧નાં જ્યોત્સનાબેન બી. ખત્રી, પાંચટીયા પ્રાથમિક શાળાના રતનજી એ. પઢીયાર, રાપરની બાલાસર કન્યા પ્રાથમિક શાળાના મહેશકુમાર એન. બાલાસરા અને ભચાઉની સીતારામપુર પ્રાથમિક શાળા નંબર ૧૦નાં પ્રવિણાબેન કરશનભાઈ ડેરનો સમાવેશ થાય છે.
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના જણાવ્યા મુજબ, શિક્ષકો પાસેથી દરખાસ્તો મંગાવી તેમની કામગીરીનું હકીકતલક્ષી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કક્ષાની કમિટી દ્વારા ઈન્ટરવ્યુ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા શિક્ષકોને રાજ્ય કક્ષાની પ્રક્રિયામાં પણ ઉપસ્થિત થવાનું થયું હતું. કચ્છના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આ શિક્ષકોનું શિક્ષક દિને સન્માન કરવામાં આવનાર હોવાથી સમગ્ર શિક્ષણ જગતમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar