


કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.) : ભારતના હરિત ઊર્જા પરિવર્તન અને ટકાઉ બંદર વિકાસને નવી દિશા આપવાના ઉદ્દેશ સાથે દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા આજે ગાંધીધામ સ્થિત વહીવટી કચેરી ખાતે ‘કંડલા ગ્રીન હાઇડ્રોજન કોન્ક્લેવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના નિષ્ણાતો, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓની ઉપસ્થિતિએ આ પરિષદને વૈશ્વિક સ્તરનું મહત્વ અપાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલના વર્ચ્યુઅલ વીડિયો સંદેશથી થઈ હતી. તેમણે ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં ભારતની વધતી ભૂમિકા તથા હરિત ભવિષ્ય તરફ દેશની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી.કોન્ક્લેવમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંઘ, આઈઆરએસએમઈ, તેમજ નોર્વેના પૂર્વ મંત્રી અને GH2 Indiaના ઇન્ટરનેશનલ એડવાઇઝરી બોર્ડના પ્રમુખ એરિક સોલહેઇમ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન ગ્રીન હાઇડ્રોજન, સ્વચ્છ ઊર્જા તરફનું વૈશ્વિક પરિવર્તન, પર્યાવરણને અનુકૂળ બંદર વિકાસ અને નવીન હરિત ટેક્નોલોજી જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભારતના ગ્રીન મેરિટાઇમ વિઝનને વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ, નવી ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચેના સંકલન અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી.
કોન્ક્લેવની વિશેષ આકર્ષણરૂપ બાબત તરીકે GH2 પ્રતિનિધિમંડળે કંડલા ખાતે કાર્યરત ભારતના પ્રથમ ‘મેક ઇન ઇન્ડિયા’ 1 મેગાવોટ ક્ષમતાના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓએ દીનદયાલ પોર્ટની વિવિધ મહત્વપૂર્ણ સુવિધાઓની પણ મુલાકાત લઈ બંદરની કામગીરી, માળખાકીય ક્ષમતા અને હરિત ઊર્જા ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોની માહિતી મેળવી હતી.
કંડલામાં યોજાયેલ આ કોન્ક્લેવથી ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે કચ્છને નવી ઓળખ મળવાની સાથે ભારતના ટકાઉ અને પર્યાવરણમૈત્રી મેરિટાઇમ વિકાસ માટે નવી તકોના દ્વાર ખૂલવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar