
ભાવનગર, 22 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુથી ‘પીએમ ઈ-બસ સેવા’ અંતર્ગત નવી આધુનિક એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી નિમુબેન બાંભણિયાએ ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી હતી.
‘ઝીરો એમિશન’ ટેકનોલોજી ધરાવતી આ ઈલેક્ટ્રિક બસો પર્યાવરણના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પેટ્રોલ-ડીઝલ આધારિત વાહનોની સરખામણીએ ઈલેક્ટ્રિક બસોથી પ્રદૂષણમાં ઘટાડો થવાની સાથે શહેરમાં વધુ સ્વચ્છ અને હરિત પરિવહન વ્યવસ્થાને વેગ મળશે.
આ બસોમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બસોમાં સીસીટીવી કેમેરા, જીપીએસ સિસ્ટમ, ડિજિટલ ટિકિટિંગ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. એસી સુવિધાના કારણે મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે, જ્યારે આધુનિક સુરક્ષા વ્યવસ્થાથી મુસાફરોની સલામતી પણ વધુ મજબૂત બનશે.
આ પ્રસંગે ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, શાસક પક્ષના નેતા લાલભા વાળા, દંડક રીંકુબેન માંગુકિયા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવી ઈ-બસ સેવા શરૂ થતાં ભાવનગરના નાગરિકોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને પર્યાવરણમિત્ર જાહેર પરિવહનનો લાભ મળશે. આ પહેલથી શહેરના જાહેર પરિવહનને નવી દિશા મળવાની સાથે સ્વચ્છ અને હરિત ભાવનગરના નિર્માણને પણ પ્રોત્સાહન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA