
ભાવનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વિવિધ નક્ષત્રોમાં વરસતા વરસાદને લઈને અનેક લોકમાન્યતાઓ પ્રચલિત છે. તેમાં મઘા નક્ષત્રના વરસાદને વિશેષ મહત્વ આપવામાં આવે છે. મઘા નક્ષત્ર દરમિયાન વરસતું વરસાદી પાણી પવિત્ર અને ગુણકારી માનવાની પરંપરા છે. કેટલાક લોકો આ પાણીને ગંગાજળ સમાન માની વર્ષભર માટે સંગ્રહ કરે છે.
આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વરસાદી પાણીના સંગ્રહ અને જળસંચયના મહત્વને પણ ઉજાગર કરે છે. મઘા નક્ષત્ર દરમિયાન વરસાદનું પાણી એકત્ર કરી યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો તેનો વર્ષ દરમિયાન વિવિધ ઉપયોગ કરી શકાય છે.
આ અંગે અષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજાના વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટ થી મઘા નક્ષત્રનો સમયગાળો શરૂ થયો છે. આયુર્વેદિક પરંપરામાં વરસાદના પાણીને ગંગાજળ સમાન અને મઘા નક્ષત્રના પાણીને અમૃત સમાન ગણવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, અનેક લોકો પીવાના પાણીમાં મઘા નક્ષત્રનું પાણી ઉમેરે છે અને તેનાથી સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો અનુભવતા હોવાના દાવા કરે છે.
વૈદ્ય સરવૈયાના જણાવ્યા મુજબ, આ સમયગાળામાં વરસાદનું પાણી ઉપલબ્ધ ન થાય તો અન્ય સમયે પણ વરસાદી પાણીનું કલેક્શન કરીને યોગ્ય રીતે સાચવી શકાય છે. શરીરમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી પાણીની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. તેથી વરસાદી પાણીના પરંપરાગત સંગ્રહ સાથે જળસંચયનો સંદેશ પણ મહત્વનો બની રહે છે. જોકે, પીવાના ઉપયોગ પહેલાં પાણીની શુદ્ધતા અને સુરક્ષિત સંગ્રહ અંગે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA