
સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.) : સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના એમએલસી કાઉન્ટર પર પોલીસ કર્મચારીઓની સમયસર હાજરી નહીં હોવાને કારણે અને લેટલતીફીને લીધે છેલ્લા લાંબા સમયથી કામગીરી ખોરવાતી હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. દરરોજ જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સમયસર ફરજ પર હાજર ન રહેતા મેડિકો-લીગલ કેસ (એમએલસી) સંબંધિત વર્દી લખાવવાની કામગીરીમાં વિલંબ થાય છે. પરિણામે પોલીસની ગેરહાજરીમાં કાઉન્ટર પર ફરજ બજાવતા વોર્ડ બોયને પોલીસ સંબંધિત કામગીરી કરવી પડતી હોવાની સ્થિતિ સર્જાઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એમએલસી કાઉન્ટર પર નક્કી કરેલા જે તે પોલીસ સ્ટેશનના વારા પ્રમાણે પોલીસ કર્મચારીઓની ડ્યુટી ફાળવવામાં આવે છે. જો કે પોલીસ કર્મચારીઓ લગભગ દરરોજ સમયસર ફરજ પર હાજર ન રહેતા દર્દીઓના કેસ સંબંધિત વર્દી લખાવવાની કામગીરી અટવાય છે. પોલીસ કર્મચારી આવે ત્યાં સુધી વોર્ડ બોયને આરએમઓના આદેશથી વર્દી લખાવવાની કામગીરી કરવાની ફરજ પડતી હોવાના આક્ષેપો છે. વોર્ડ બોયની મુખ્ય જવાબદારી દર્દીઓના કેસ પેપર કાઢી આપવા સહિતની હોસ્પિટલ સંબંધિત કામગીરી કરવાની હોય છે. પરંતુ પોલીસ કર્મચારીઓની સમયસર હાજરી નહીં હોવાને કારણે તેમને પોલીસની કામગીરી પણ કરવી પડતી હોવાથી હોસ્પિટલની નિયમિત કામગીરી પર તેની સીધી અસર પડી રહી છે. જ્યારે આ અંગે હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે પોલીસ કર્મીઓની ટાઇમસર હાજરી નહીં હોવા અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે