
સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.) : સારોલીમાં ક્રિષ્નાપાર્ક ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા ખાતાના ધાબા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ વેપારીઓએ ઝડપી પાડી તેમની પાસેથી રોકડા 5લાખ અને છ મોબાઈલ મળી કુલ રૂપિયા 6.25 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સારોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ બાતમીના આઘારે ગઈકાલે શુક્રવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના આરસામાં નેચરવેલી સોસાયટીની બાજુમાં આવેલ ક્રિષ્નાપાર્ક ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-01ના પ્લોટ નંબર 34ના ધાબા ઉપર રેડ પાડી હતી. તપાસ દરમિયાન ધાબા ઉપરથી જુગાર રમતા વેપારી આશીષ મનસુખભાઈ લાલાણી (ઉ.વ.36.રહે,રીવરપેન્ટ સ્કય સરથાણા), રાજેસભાઈ રતીલાલ પરસાણીયા (ઉ.વ.55.રહે,ગોલ્ડન હેવન, મોટા વરાછા), નંદરાય નાથાભાઈ કંટારીયા (ઉ.વ.58.રહે,અંગારિક બિલ્ડિંગ, રાજહંસ સરથાણા જકાતનાકા), સતીષ કરમશીભાઈ વિરોજા (ઉ.વ.38.રહે, યોગીનગર સોસાયટી, યોગીચોક, વરાછા), અશ્વિન માવજીભાઈ પાનશેરિયા (ઉ.વ.45. રહે,મન મંદિર સોસાયટી, સરથાણા) અને મનોજ પોપટભાઈ ગજેરા (ઉ.વ.50. રહે,અંકુર સોસાયટી, મીનીબજાર વરાછા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 5,05,000 અને છ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે