
ભાવનગર, 22 ઓગસ્ટ (હિ.સ.)રાષ્ટ્રીય અવકાશ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના ઉપક્રમે કલ્યાણ રિજનલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ભાવનગરના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ ‘સ્પેસ ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ અને જિજ્ઞાસા વધારવા તથા ભારતની અવકાશ ક્ષેત્રે થયેલી ઐતિહાસિક સિદ્ધિઓથી નવી પેઢીને પરિચિત કરાવવાનો છે. ક્વિઝમાં ભારતનો અવકાશ કાર્યક્રમ, ISROની સિદ્ધિઓ, ચંદ્રયાન અને મંગળયાન મિશન, ઉપગ્રહો, રોકેટ ટેક્નોલોજી, અવકાશ સંશોધન, ખગોળ વિજ્ઞાન તેમજ ભવિષ્યની અવકાશ ટેક્નોલોજી જેવા વિષયો આવરી લેવામાં આવશે.
આ કાર્યક્રમ 23 ઓગસ્ટ, 2026ના રવિવારે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી આરએસસી ભાવનગર ખાતે યોજાશે. ધોરણ 6થી 12માં અભ્યાસ કરતા તમામ શાળાના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ શકશે. ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ વધુ માહિતી માટે 7874242632 અથવા 9586100600 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
ભારતમાં દર વર્ષે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવે છે. ચંદ્રયાન-3ની સફળતા અને ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ નજીક ભારતે કરેલા સોફ્ટ લેન્ડિંગની ઐતિહાસિક સિદ્ધિની યાદમાં આ દિવસ ઉજવાય છે.
આ સ્પેસ ક્વિઝ વિદ્યાર્થીઓ માટે પોતાનું જ્ઞાન ચકાસવા સાથે અવકાશ વિજ્ઞાન અંગે નવી માહિતી મેળવવાની અને વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવાની ઉપયોગી તક બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA