

ગાંધીનગર, 22 ઓગસ્ટ (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિદ્યાલય સંલગ્ન યુવા ગીતા પ્રકલ્પ દ્વારા આયોજિત “યુવા ગીતા પ્રકલ્પ – દ્વિતીય સોપાન : પરિચય શિબિર ૧૦ અને ૧૧” નું પવિત્ર શ્રાવણ માસની આધ્યાત્મિક ઊર્જા વચ્ચે સફળતાપૂર્વક અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જીવનમૂલ્યોનું સિંચન કરવા અને ગીતાના વિચારોને જીવન સાથે જોડવાના ઉદ્દેશથી યોજાયેલી આ શિબિરમાં સંસ્થાની ૨૧ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
યુવા ગીતા પ્રકલ્પના પ્રથમ સોપાનમાં પ્રાપ્ત થયેલા માર્ગદર્શનને આગળ વધારતાં દ્વિતીય સોપાન તરીકે યોજાયેલી આ પરિચય શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારો, જીવનદર્શન અને વ્યવહારુ મૂલ્યો સાથે પરિચિત કરાવવાનો હતો. શિબિર દરમિયાન ગીતાજીના શ્લોકો તથા અધ્યાયોના અભ્યાસ સાથે તેમના જીવનમાં ઉપયોગી સંદેશાઓને સરળ, રસપ્રદ અને પ્રવૃત્તિલક્ષી રીતે સમજાવવામાં આવ્યા હતા.
શિબિરની શરૂઆત સૂર્યનમસ્કારથી કરવામાં આવી હતી. ત્યારબાદ શિબિર પરિચય, વ્યક્તિગત પરિચય, સ્વાગતવિધિ તથા પ્રારંભવિધિ દ્વારા સહભાગીઓમાં આત્મીયતા, સંવાદિતા અને ટીમભાવના વિકસાવવામાં આવી હતી.
શિબિરના વિવિધ સત્રોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૧ થી ૧૮નો ક્રમબદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો. અધ્યાયોના પાઠન સાથે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગીતાના વિચારોને સરળતાથી સમજાવવામાં આવ્યા. તેમાં અધ્યાય ગોઠવણી, શબ્દ સ્મૃતિ, ત્વરિત શોધન, શ્લોક પૂર્તિ અને નવધા ભક્તિ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે માર્ગદર્શન અને વ્યાખ્યાનો દ્વારા ગીતાના જીવનલક્ષી સંદેશને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો અવસર મળ્યો.
શિબિરને માત્ર જ્ઞાનમય નહીં પરંતુ આનંદમય અને ક્રિયાશીલ બનાવવા માટે ગીતાના સંદેશ સાથે જોડાયેલી વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં “પાંડવાનામ્ ધનંજય”, “અક્ષ ક્રીડા”, “ગીતા દોડ”, “રામ–રાવણ” અને “વિજય ધ્વજ” જેવી રમતો દ્વારા ટીમવર્ક, એકાગ્રતા, ઝડપ, નેતૃત્વ, શિસ્ત અને નિર્ણયશક્તિ જેવા ગુણોનો વિકાસ કરવામાં આવ્યો.
ખાસ કરીને “ગીતા દોડ” દ્વારા ગીતાજી પ્રત્યેની ભાવના સાથે શારીરિક સ્ફૂર્તિનો સુંદર સમન્વય થયો હતો, જ્યારે “રામ–રાવણ” અને “વિજય ધ્વજ” જેવી રમતોમાં ચપળતા તથા ટીમભાવનાનો અનુભવ થયો હતો. “પાંડવાનામ્ ધનંજય” દ્વારા મહાભારતના પાત્રો સાથે જોડાણ કરાવવામાં આવ્યું અને “અક્ષ ક્રીડા” દ્વારા ગણિતીય કુશળતા, ધીરજ તથા સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું.
શિબિર દરમિયાન નિયમિત ભોજન, પ્રાર્થના તથા વિચારગોષ્ઠી જેવી પ્રવૃત્તિઓ દ્વારા શિસ્તબદ્ધ અને સંસ્કારસભર જીવનશૈલીનો અનુભવ પણ કરાવવામાં આવ્યો. અંતિમ તબક્કામાં અધ્યાય ૧૬ થી ૧૮ના અભ્યાસ સાથે આરતી અને પ્રસાદ દ્વારા શિબિરનું ભાવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું.
આ સમગ્ર પરિચય શિબિર દ્વારા યુવાનોમાં ગીતાજીના અમૂલ્ય વિચારોને માત્ર પુસ્તકના જ્ઞાન તરીકે નહીં, પરંતુ દૈનિક જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. ૨૧ કોલેજોના યુવાનોની ઉત્સાહભરી ભાગીદારી, વિવિધ શૈક્ષણિક સત્રો, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને ગીતામય રમતોના સમન્વયથી આ શિબિર જ્ઞાન, સંસ્કાર, આનંદ અને આત્મીયતાનો અનોખો સંગમ બની રહી.
આ સમગ્ર શિબિરનું સફળ સંચાલન અને આયોજન યુવા ગીતા પ્રકલ્પના કોર્ડિનેટર ઉર્વીશભાઈ પટેલ, કિંજલબેન પટેલ તેમજ “પૂર્વ અર્જુન”ની જેમ તાલીમ પામેલા અને તૈયાર થયેલા તાલીમાર્થી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
“ગીતા વાંચવી જ નહીં, ગીતાને જીવવી” — આ ભાવ સાથે યુવા ગીતા પ્રકલ્પના દ્વિતીય સોપાન તરીકે યોજાયેલી આ પરિચય શિબિરે યુવાનોના જીવનમાં ગીતાના વિચારબીજનું વાવેતર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને યાદગાર પગલું ભર્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ