
જૂનાગઢ, 22 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તથા ઊર્જા રાજ્યમંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના વન વિભાગ સંલગ્ન વિવિધ પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ બેઠકમાં ખાસ કરીને હસનાપુર અને વિલિંગ્ડન ડેમમાં જળાશયોમાંથી કાંપ દૂર કરી સંગ્રહ ક્ષમતા વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ વન વિભાગ તથા મહાનગરપાલિકાના અધિકારીઓને જરૂરી પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જળસંગ્રહ ક્ષમતા વધારવી એ માત્ર પાણીની ઉપલબ્ધતા માટે જ નહીં, પરંતુ વન્ય પ્રાણીઓ અને સમગ્ર ઇકોસિસ્ટમ માટે પણ મહત્વપૂર્ણ છે.
ગિરનાર ક્ષેત્રમાં આવેલા ચેકડેમોમાંથી પણ કાંપ દૂર કરી જળસંગ્રહ ક્ષમતા વધારવા અંગે બેઠકમાં જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો, જેથી વન્ય પ્રાણીઓને પીવાના પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ રહે.
જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળા તથા ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ પધારતા હોવાથી તેમની સુવિધા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ભાવિ આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ભવનાથ તળેટી વિસ્તારમાં શ્રદ્ધાળુઓના આવાગમનની સુવ્યવસ્થિત વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા અને વન વિભાગને સાથે મળીને જરૂરી આયોજન કરવા મંત્રીએ સૂચના આપી હતી.
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને અગવડતા ન પડે તે માટે જરૂરી સુવિધાઓ વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વનવિસ્તારમાં શૌચાલયની સુવિધા ઉભી કરવા ટોયલેટ બ્લોકની ડિઝાઇન તૈયાર માટેનો પ્રસ્તાવ રજૂ કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
વન અને પર્યાવરણ મંત્રીએ વન વિભાગ હસ્તકના વિસ્તારો સહિતના સ્થળોએ થયેલા દબાણો દૂર કરવા માટે પણ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ઉપરાંત રસ્તાઓના રિસરફેસિંગ માટે વન વિભાગની એનઓસી સહિતના વિવિધ પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સવેનિયર શોપ અને ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગિરનારની પ્રાકૃતિ દર્શન સાથે ધાર્મિક પર્યટનને પણ વધુ વેગ મળે તે દિશામાં આયોજન કરવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાએ મહાશિવરાત્રી મેળા તથા ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું આયોજન કરી ભાવિકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રચનાત્મક સૂચનો આપ્યા હતા. ઉપરાંત ગિરનાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, રેલવે તથા રોડ-રસ્તા સહિતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, મેયરધર્મેશભાઈ પોશિયા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, ધારાસભ્યઓ સર્વ દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ ચૌધરી, ડેપ્યુટી મેયરશ્રી આકાશ કટારા, શાસક પક્ષના નેતાશ્રી મનનભાઈ અભાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણીશ્રી વિપુલભાઈ કાવાણી, અગ્રણી પુનિતભાઈ શર્મા, સીસીએફશ્રી રામ રતન નાલા, નાયબ વન સંરક્ષક સર્વ મોહન રામ, અક્ષય જોશી, પ્રશાંત તોમર, વિકાસ યાદવ, ચિરાગ અમીન સહિત વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગીર વિસ્તારના હોમ સ્ટે સંચાલકોની રજૂઆતો પણ સાંભળી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, જન પ્રતિનિધિઓ અને ખેડૂતો તરફથી જે રજૂઆતો મળી છે. તેના પ્રત્યે વન વિભાગ અને રાજ્ય સરકારનો હકારાત્મક અભિગમ છે. આ માટે વન વિભાગના અધિકારીઓને જરૂરી સર્વે હાથ ધરવા પણ સૂચના આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ