
જુનાગઢ 22 ઓગસ્ટ (હિ.સ.) ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે તારીખ ૨૨/૦૮/૨૦૨૬ના રોજ જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જન પામેલી 'તાજમંઝિલ' ઈમારતનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
આશરે છેલ્લા એક વર્ષથી જૂનાગઢ સંગ્રહાલય રિનોવેશનના કારણે બંધ હતું. તારીખ ૨૨ ઓગસ્ટથી સરદારબાગ, રાણી લક્ષ્મીબાઈ ચોક, જૂનાગઢ શહેર ખાતે સ્થિત આ ઐતિહાસિક સંગ્રહાલય ફરીથી સર્વે જાહેર જનતા માટે પુનઃ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રિનોવેશનનો કુલ ખર્ચ રૂ. ૨ કરોડ ૧૪ લાખ થયો છે. જેમાં પ્રદર્શનની કામગીરી ૩ માસમાં જ પૂર્ણ કરવામાં આવી છે. આ સંગ્રહાલયમાં જૂના સમયગાળાના હથિયારો, યુદ્ધ માટેની તોપ, બંદૂક, તલવાર, ભાલા, કટારી, પિત્તળ અને કાંસ્યના વિવિધ ઓજારો, ચાંદીના રસોઈ માટેના વાસણો, જૂનાગઢના નવાબી શાસન સમયગાળા દરમિયાન દૈનિક ઉપયોગમાં લેવાતી વિવિધ કિંમતી વસ્તુઓ, બ્લ્યુ પોટરીના વાસણો, ટેરાકોટાના વિવિધ ફ્લાવર વાઝ, ચાંદીના સૌંદર્ય પ્રસાધનો માટેનો સામાન, લાકડાના કોતરેલા કબાટ, વિવિધ આકર્ષક અરીસા, રંગીન કાચના આકર્ષક ઝુમરો, પાલખી, અંબાડી, ચાંદીના દાગીના, ચાંદીના રમકડાં, પટારા અને પેટીઓ, રંગીન કાચની ક્રોકરી, વિવિધ પ્રકારની છબીઓ આમ અનેકવિધ સરસામાન, હસ્તકળાના ઉત્તમ નમૂના એક જ સ્થળ ઉપર મુલાકાતીઓ ખૂબ જ નજીવા દરે નિહાળી શકે છે.
ઉર્જા રાજ્ય મંત્રીશ્રી અને અન્ય ઉપસ્થિત મહેમાનોના હસ્તે તાજમંઝિલનું લોકાર્પણ લાલ રિબિન કાપીને અને દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની યાદીરૂપે માહિતી આપતી તકતીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉર્જા રાજ્ય મંત્રી સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવો, મુલાકાતીઓએ નવનિર્માણ પામેલા સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને પ્રત્યેક ચીજવસ્તુઓને રસપૂર્વક નિહાળી હતી અને તેના અંગે જાણકારી પણ મેળવી હતી.
આ ઉપરાંત તાજમંઝિલ ખાતે નવી ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. જેમાં યુરોપિયન ગેલેરી, મિનિએચર પેઈન્ટીંગ ગેલેરી, ઓઈલ પેઈન્ટીંગ ગેલેરી અને સ્વતંત્રતા સંગ્રામ સમયે જૂનાગઢમાં બનેલી આરઝી હકુમત જેવી નવી ગેલેરીઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર આઈ.આર.વાળા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેકટર બી.એસ.બારડ, તાજમંઝિલ સંગ્રહાલયના ક્યુરેટર સુશ્રી શૈફાલી સહિતના વિવિધ પદાધિકારીગણ અને અધિકારીગણ, મુલાકાતીઓ, સંગ્રહાલયના કર્મચારીઓ, ઇતિહાસના રસિકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ