
સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ તેજ કરવામાં આવી છે. આ દરમિયાન સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલના પાર્કિંગમાં પોલીસે દરોડો પાડી એક ઇનોવા કારમાંથી રોયલ સ્ટેગ સહિત વિવિધ બ્રાન્ડની દારૂ અને બિયરની કુલ 168 બોટલ-ટીનનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે કાર સહિત અંદાજે ₹3.26 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે અને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
બીજી તરફ સચીન GIDC પોલીસએ ગભેણી ગામમાં કાર્યવાહી કરીને 72 વર્ષીય મહિલાને 178 બોટલ વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપી પાડી હતી. પોલીસના જણાવ્યા મુજબ મહિલાની સામે અગાઉ પણ પ્રોહિબિશન સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. બંને કાર્યવાહી રાજ્યમાં ગેરકાયદે દારૂના વેચાણ સામે ચાલી રહેલા અભિયાનનો ભાગ છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી-માળિયા હાઇવે પર ટ્રકમાંથી 16,924 બોટલ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે છોટા ઉદેપુરમાં કારમાંથી 1,740 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. રાજ્યભરમાં એક જ દિવસમાં લાખો રૂપિયાનો ગેરકાયદે દારૂ જપ્ત થતાં પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે