
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને યોગ્ય રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા તેમજ નોકરીદાતાઓને જરૂરી માનવબળ પૂરું પાડવાના હેતુથી જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા આગામી તા. 25/09/2026ના રોજ પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓનો સંયુક્ત ક્લસ્ટર જોબફેર યોજાશે.
આ ક્લસ્ટર જોબફેરનું આયોજન દેવપ્રસાદજી સ્કુલ એન્ડ કોલેજ કેમ્પસ, સ્વામીનારાયણ ગુરુકુળ સંસ્થા, વંથલી, જુનાગઢ ખાતે કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળામાં પોરબંદર જિલ્લાના નોકરીદાતાઓ તથા સંસ્થાઓને વધુમાં વધુ સંખ્યામાં સહભાગી થવા જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક રોજગારવાંચ્છુ ઉમેદવારોને યોગ્ય રોજગારીની તકો મળી રહે.
ક્લસ્ટર જોબફેરમાં પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અંદાજે 600 થી 700 રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. નોકરીદાતાઓએ જોબફેરમાં સહભાગી થવા માટે રજીસ્ટ્રેશન કરાવવા જિલ્લા રોજગાર કચેરી, પોરબંદરના ઈ-મેઈલ આઈ.ડી. dee-por@gujarat.gov.in પર સંપર્ક કરવા જણાવાયું છે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર 0286-2222041 પર સંપર્ક કરી શકાશે.
આ ક્લસ્ટર જોબફેરમાં સહભાગી થવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. રોજગાર કચેરી દ્વારા આપવામાં આવતી સેવાઓ પણ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya