
ભાવનગર, 23 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂના મામલે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. AAPના કાર્યકરોએ હાથમાં બેનરો સાથે ઉગ્ર સૂત્રોચાર કરી સમગ્ર મામલે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ પણ નારા લગાવવામાં આવ્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હર્ષ સંઘવીના ફોટોનું દહન કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ડુપ્લીકેટ દારૂના મામલે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કાર્યકરોએ વિવિધ સૂત્રોચાર કર્યા હતા.દરમિયાન રોયલ સ્ટેજની બોટલને લઈને AAPના કાર્યકરો અને પોલીસ વચ્ચે રકઝકના દૃશ્યો પણ સર્જાયા હતા. પોલીસ દ્વારા, સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જ્યારે કાર્યકરો દ્વારા સમગ્ર મામલે સરકાર અને તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
AAPના કાર્યકરોએ ડુપ્લીકેટ દારૂના કથિત મામલાને ગંભીર ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.કલેકટર કચેરી નજીક યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સૂત્રોચાર અને વિરોધ વચ્ચે ઘટનાસ્થળે થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA