
સુરત, 23 ઓગસ્ટ (હિ.સ.): સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હેઠળ આવેલી નાના વરાછા પોલીસ ચોકીમાં, શનિવારે એક ગંભીર ઘટના બની હતી. ફરજ પર હાજર PSI પી.એસ. મકવાણા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે, અચાનક ગોળી છૂટી ગઈ. આ દરમિયાન સામે ઉભેલા લારીચાલક અરવિંદ પટેલને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર, અકસ્માતે છૂટેલી ગોળી યુવકના શરીરને આરપાર વીંધી ગઈ હતી. ઘટના બનતા જ પોલીસ ચોકીમાં દોડધામ મચી ગઈ હતી અને અન્ય પોલીસ કર્મચારીઓએ, ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. DCP આલોક કુમારે સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલના મેડિકો-લીગલ કેસ (MLC) રિપોર્ટ અને ડૉક્ટરના અભિપ્રાયના આધારે જો બેદરકારી સામે આવશે તો સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે