
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના સમીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ. શુક્લની કોર્ટે નાણાંની લેવડ-દેવડના વિવાદમાં મહિલાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ, હુમલો અને તોડફોડના કેસમાં આરોપી ઈમરાન ઉર્ફે મોન્ટી સુલેમાનભાઈ સૈયદને ગેરહાજરીમાં દોષિત ઠેરવી મુખ્ય બે વર્ષની સાદી કેદ તથા કુલ ₹25,000ના દંડની સજા ફટકારી છે. કેસમાં સરકારી વકીલ એમ.જી. કોરાટે રજૂઆત કરી હતી.
કેસની વિગત મુજબ, 23 ડિસેમ્બર 2024ના રોજ સમીની સોપાર સોસાયટીમાં રહેતા હાજરાબેન હબીબભાઈ કાજીના ઘરે ઈમરાન ઉર્ફે મોન્ટી સુલેમાનભાઈ સૈયદ (રહે. નેહરુચોક, સમી) આવ્યો હતો. આરોપીએ હાજરાબેનના પતિ પાસેથી પૈસા લેવાના હોવાની બાબતે બોલાચાલી કરી ગાળો આપી હતી.
ત્યારબાદ આરોપીએ કમરમાંથી છરી કાઢી રસોડાના કાચ તથા હોલમાં રહેલું ટીવી તોડી નાખ્યું હતું, જેના કારણે આશરે ₹20,000થી વધુનું નુકસાન થયું હતું. મહિલાએ રોકવાનો પ્રયાસ કરતાં આરોપીએ તેમને ગાલ પર થપ્પડ મારી હતી. ઘટનાને પગલે સમી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી.
સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ હોવાની દલીલ કરી હતી. જોકે, કોર્ટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો આધાર લઈ જણાવ્યું હતું કે પુરાવાનું સમગ્રતાથી મૂલ્યાંકન કરવું જરૂરી છે અને નાના-મોટા વિરોધાભાસથી ફરિયાદ પક્ષના મુખ્ય કેસની સત્યતા પર અસર થતી નથી. મહિલાના ઘરમાં તૂટેલા કાચ અને ટીવી અંગેનું પંચનામું તથા અન્ય પુરાવા પણ કોર્ટે મહત્વપૂર્ણ ગણ્યા હતા.
ચુકાદાના દિવસે આરોપીના વકીલે ઈમરાન નશામુક્તિ કેન્દ્ર, બારડોલી ખાતે હોવાથી હાજર રહી શકે તેમ ન હોવાનું રિપોર્ટ આપ્યો હતો. પરિણામે કોર્ટે તેની ગેરહાજરીમાં ચુકાદો જાહેર કર્યો. BNS કલમ 324(4) હેઠળ 2 વર્ષની કેદ અને ₹10,000 દંડ, કલમ 115(2) હેઠળ 1 વર્ષની કેદ અને ₹10,000 દંડ તથા કલમ 329(2) હેઠળ 1 વર્ષની કેદ અને ₹5,000 દંડની સજા ફટકારવામાં આવી છે. દંડ ન ભરે તો વધારાની કેદ અને સજા ભોગવવાની અમલવારી માટે સજા વોરંટ ઈશ્યૂ કરવાનો આદેશ કરાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ