
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર તાલુકાના ફટાણા ગામે રહેતી 20 વર્ષીય યુવતીના ફોટાનો દુરુપયોગ કરી ફેક Instagram ID બનાવવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપીએ યુવતીની જાણ કે મંજૂરી વગર તેના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર શેર કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ 'mitlllx.od' નામની ફેક Instagram ID બનાવી હતી. આ એકાઉન્ટ પર યુવતીના ફોટા તેની મરજી વિના પોસ્ટ કરવામાં આવ્યા હતા. યુવતીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી આ પ્રકારનું કૃત્ય કરાયું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
મામલો સામે આવતા યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ફેક Instagram ID અંગેની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. એકાઉન્ટ કોણે બનાવ્યું, તેનો ઉપયોગ કોણ કરતું હતું અને યુવતીના ફોટા ક્યાંથી મેળવવામાં આવ્યા તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં વ્યક્તિગત ફોટાના દુરુપયોગનો મામલો સામે આવતા ફરી એકવાર સાયબર સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya