
ગીર સોમનાથ, 23 ઓગસ્ટ (હિ.સ.) : થેલેસેમિયા મેજર એ રક્તના ઘટકની ખામીને કારણે થતો એક ગંભીર રોગ છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત અને તેની શાખાઓ દ્વારા સમગ્ર ગુજરાતની કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે નજીવા દરે થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
આ અભિયાન તા. ૨૦ અને ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વેરાવળની પાંચ કોલેજોમાં યોજાયું હતું.
જેમાં મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સવજાણી એન્ડ સવજાણી કોલેજ, ચોકસી એન્ડ ચોકસી કોલેજ, જે. એમ. સાયન્સ કોલેજ અને ગવર્નમેન્ટ સાયન્સ કોલેજનો સમાવેશ થાય છે.
તા. ૨૦ ઓગસ્ટના રોજ સવજાણી એન્ડ સવજાણી કોલેજમાં ૨૦૧ વિદ્યાર્થીઓએ ટેસ્ટ કરાવ્યો હતો. તા. ૨૧ ઓગસ્ટના રોજ ચોકસી એન્ડ ચોકસી કોલેજમાં ૧૯૩, ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં ૬૪ અને જે. એમ. સાયન્સ કોલેજમાં ૨૪ વિદ્યાર્થીઓએ થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવ્યા હતા. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા અંગે જાગૃતિ લાવવામાં આવી હતી.
આ કાર્યક્રમોમાં મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય એમ. જે. બંધિયા, સવજાણી એન્ડ સવજાણી કોલેજના આચાર્ય હિમાંશુભાઇ જણકાટ, ચોકસી એન્ડ ચોકસી કોલેજના ડો. જીગર રાવલ, જે. એમ. સાયન્સ કોલેજના શ્રીમતી ભાગ્યશ્રી લાલવાણી અને ગવર્નમેન્ટ સાયન્સ કોલેજના ડો. સ્મિતાબેન ચગ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ટેસ્ટ કરાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કિરીટભાઈ ઉનડકટ, કમલેશભાઈ ફોફંડી, ગિરીશભાઈ ઠક્કર, અનિશભાઇ સેવારામ મુલચંદાણી, ભાવેશ મહેતા અને રાધાકિશન પમનાણીએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જન સેવા ટ્રસ્ટ તરફથી સી.એસ.આર. હેડ શ્રદ્ધાબેન મહેતા, અધિકારી અરુણકુમાર સિંઘ અને તેમની ટીમ તેમજ ઇનરવ્હીલ ક્લબ તરફથી શ્રીમતી અનિતાબેન ભાનુશાલી અને તેમની ટીમે પણ સહયોગ આપ્યો હતો.
થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટનું કાર્ય અમદાવાદથી રાજ્ય શાખાના ટેક્નિશ્યનો જીગરભાઇ અને રોનકભાઇ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. બ્લડ ગ્રુપિંગ ટેસ્ટની કામગીરી ડો. ખેવનાબેન કારાવડિયાની દેખરેખ હેઠળ તેમની ટીમના ટેક્નિશ્યન પાયલ ભારાવાલા, રમેશ વાયલુ અને લખન સિંધલ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ