
કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડના પગલે સમગ્ર ગુજરાતમાં રાજકીય વિરોધનો સૂર વધુ તીવ્ર બન્યો છે. આ ઘટનામાં આશરે દસ જેટલા લોકોના મોત થયા હોવાના આક્ષેપ વચ્ચે ગાંધીધામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. AAPના કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી દારૂબંધીના અમલને લઈને સવાલો ઉઠાવ્યા હતા.
ગાંધીધામમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવી સ્થિતિ છે. તેમના જણાવ્યા મુજબ ભાવનગરની ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે અને કેટલાક લોકો હજુ સારવાર હેઠળ છે. આવી ગંભીર ઘટના બાદ રાજ્યના ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવીએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ તેવી માંગ તેમણે કરી હતી.
AAP આગેવાનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું હોવા છતાં તંત્ર દ્વારા તેને રોકવામાં પૂરતી અસરકારકતા દાખવવામાં આવતી નથી. ખાસ કરીને કચ્છ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં દારૂના ગેરકાયદેસર અડ્ડા ધમધમી રહ્યા હોવાનો દાવો કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.વિરોધ દરમિયાન કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાવનગર લઠ્ઠાકાંડની સંપૂર્ણ જવાબદારી સરકાર સ્વીકારે તેવી માંગ કરી હતી. દારૂબંધીના કડક અમલ સાથે ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી.
આ વિરોધ કાર્યક્રમમાં ડો. કાયનાત અંસારી આથા ઉપરાંત નીલેશ મહેતા, દિગ્વિજયસિંહ જાડેજા, રાજેશ સથવારા, અમૃત રાઠોડ, યોગેશ કુમઠેકર, હરેશ મારૂ, નિર્મલા હીંડાનીયા, નિશા ચૌહાણ સહિત ગાંધીધામના આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. ભાવનગરની ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે ત્યારે ગાંધીધામમાં થયેલા આ વિરોધથી ગુજરાતમાં દારૂબંધીના અમલ અંગેની ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar