
કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) : પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી જાબુંડી ગામની સીમમાં ચાલતા તીનપત્તીના જુગારધામનો પર્દાફાશ કર્યો છે. LCBની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગંજીપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમતા કુલ નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર સંબંધિત મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
LCBના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે જાબુંડી ગામની સીમ વિસ્તારમાં સ્મિતરાજસિંહ કૃષ્ણકુમારસિંહ જાડેજાની વાડીમાં આવેલા ખુલ્લા શેડ નીચે કેટલાક શખ્સો ગંજીપાનાથી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. જુગાર હાલમાં જ ચાલુ હોવાની માહિતી મળતાં ટીમે સમય ગુમાવ્યા વિના બાતમીવાળી જગ્યાએ પહોંચી દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં જાબુંડીના સ્મિતરાજસિંહ કૃષ્ણકુમારસિંહ જાડેજા, રૂતુરાજસિંહ કિરીટસિંહ જાડેજા, ગિરીરાજસિંહ હકુમતસિંહ જાડેજા અને સોહિલ જુમા મણકા ઉપરાંત કોટડા (ચકાર)ના દિપ મુકેશભાઇ ઠક્કર તથા બાદલગિરી અનીલગર ગોસ્વામી, કૈલાસનગરના ભરત દેવાભાઇ રબારી, કોટડા (આથમણા)ના પ્રિત રાજેશભાઇ ઠક્કર અને નિર્મલ પ્રવિણભાઇ જોષીનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી ASI અશ્વિનભાઇ સોલંકી તથા HC રાજેંદ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા અને વિક્રમસિંહ ગોહિલ સહિતની ટીમે હાથ ધરી હતી. LCBની આ કાર્યવાહીથી પધ્ધર પંથકમાં ચાલતી જુગારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar