લોરીયા શાળાનું નવીનીકરણ, પણ જર્જરિત CRC ભવન બન્યું જોખમનું કારણ
- બે વર્ષથી રજૂઆતો છતાં કાર્યવાહી નહીં થતાં વાલીઓમાં રોષ કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) : લોરીયા ગામની પ્રાથમિક શાળામાં એક તરફ જૂની ઇમારતને હટાવી શાળાના નવા મકાનના નવીનીકરણ સહિતની કામગીરી હાથ ધરાઈ રહી છે, ત્યારે બીજી તરફ એ જ શાળા પરિસરમાં આવેલું સી.આર.સી.
લોરિયા સીઆરસી ભવન જર્જરીત


લોરિયા સીઆરસી ભવન જર્જરીત


લોરિયા સીઆરસી ભવન જર્જરીત


- બે વર્ષથી રજૂઆતો છતાં કાર્યવાહી નહીં થતાં વાલીઓમાં રોષ

કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) : લોરીયા ગામની પ્રાથમિક શાળામાં એક તરફ જૂની ઇમારતને હટાવી શાળાના નવા મકાનના નવીનીકરણ સહિતની કામગીરી હાથ ધરાઈ રહી છે, ત્યારે બીજી તરફ એ જ શાળા પરિસરમાં આવેલું સી.આર.સી. ભવન અત્યંત જર્જરિત સ્થિતિમાં હોવાના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે. શાળા અને સી.આર.સી. ભવન એક જ કમ્પાઉન્ડમાં આવેલા હોવા છતાં જર્જરિત ઇમારત તરફ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં ન આવતું હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સી.આર.સી. ભવનની હાલત અંગે છેલ્લા બે વર્ષ દરમિયાન સંબંધિત તંત્રને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી મકાનનું સુરક્ષિત નિરીક્ષણ, તોડકામ કે વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. જૂનું મકાન લાંબા સમયથી જોખમી સ્થિતિમાં હોવાથી કોઈ સમયે તેનો ભાગ ધરાશાયી થાય અને દુર્ઘટના સર્જાય તેવી આશંકા વાલીઓ અને ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.

બીજી તરફ શાળાના નવીનીકરણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ માટે જરૂરી મૂળભૂત સુવિધાઓ વિકસાવવાની કામગીરી પણ ચાલી રહી છે. શાળા પરિસરમાં પીવાના પાણી માટે ટાંકી સહિતની સુવિધા ઉભી કરવા પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં જર્જરિત સી.આર.સી. ભવનના કારણે આયોજનમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. પરિણામે વિદ્યાર્થીઓને પીવાના પાણી જેવી આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પણ વિલંબ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

વાલીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ પ્રકારનું જોખમ લેવામાં ન આવે તે જરૂરી છે. જો ભવન ખરેખર જોખમી સ્થિતિમાં હોય તો તંત્રએ સ્થળ પર ટેકનિકલ તપાસ કરાવી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.

ગ્રામજનો અને વાલીઓએ સંબંધિત અધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરી જર્જરિત સી.આર.સી. ભવનને સુરક્ષિત રીતે દૂર કરવા તથા શાળામાં પાણીની સુવિધા ઝડપથી કાર્યરત કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો બાદ તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે પગલાં ભરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande