મુંદરા પત્રકાર સંઘને મળ્યું નવું નેતૃત્વ: રાહુલ દાવડા પ્રમુખ, પત્રકારોના હિત-સુરક્ષા માટે એકજૂથ થવાનો સંકલ્પ
કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) : મુંદરા તાલુકા અને શહેરના પત્રકારોને એક મજબૂત સંગઠનના નેજા હેઠળ એકત્રિત કરી તેમના હિતોનું રક્ષણ કરવા માટે ‘મુંદરા તાલુકા પત્રકાર સંઘ’ની નવી કારોબારીની રચના કરવામાં આવી છે. મુંદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં રાહુલભાઈ દા
મુન્દ્રા પત્રકાર સંઘની ચૂંટણી


મુન્દ્રા પત્રકાર સંઘની ચૂંટણી


મુન્દ્રા પત્રકાર સંઘની ચૂંટણી


કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) : મુંદરા તાલુકા અને શહેરના પત્રકારોને એક મજબૂત સંગઠનના નેજા હેઠળ એકત્રિત કરી તેમના હિતોનું રક્ષણ કરવા માટે ‘મુંદરા તાલુકા પત્રકાર સંઘ’ની નવી કારોબારીની રચના કરવામાં આવી છે. મુંદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં રાહુલભાઈ દાવડાની સર્વાનુમતે પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવતા પત્રકારોમાં નવી ઊર્જાનો સંચાર થયો હતો.

પત્રકાર સંઘના ફાઉન્ડર દિલીપભાઈ ગોરની અધ્યક્ષતામાં મળેલી બેઠકની શરૂઆત સ્વર્ગસ્થ કપિલભાઈ કેસરિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી સ્વ. કેસરિયાની સ્મૃતિને યાદ કરી હતી. મુંદરાના પત્રકારોને સંગઠિત કરવા માટે દિલીપભાઈ ગોર અને સ્વ. કપિલભાઈ કેસરિયા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને આ નવી રચના સાથે મહત્વપૂર્ણ મુકામ મળ્યો હોવાનું ઉપસ્થિત પત્રકારોએ જણાવ્યું હતું.

બેઠક દરમિયાન પત્રકારોને કામગીરી દરમિયાન પડતી વિવિધ મુશ્કેલીઓ અને તેમના હિત સાથે જોડાયેલા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પત્રકારો સામે અન્યાય, ધાકધમકી અથવા ખોટી રીતે પોલીસ કાર્યવાહી જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સંગઠનના તમામ સભ્યો એકસાથે રહી મજબૂત રીતે અવાજ ઉઠાવશે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ મુશ્કેલીના સમયમાં કોઈપણ સભ્યને એકલા ન છોડવાની ભાવના સાથે સંગઠનને કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો હતો.

નવી કારોબારીમાં પ્રમુખ તરીકે રાહુલભાઈ દાવડા અને કાર્યકારી પ્રમુખ તરીકે સલીમભાઈ સમાની જવાબદારી સંભાળશે. મહામંત્રી તરીકે કાસમ ખલીફા અને કપિલ વ્યાસની પસંદગી થઈ છે. ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ કેસરિયા, ઇબ્રાહિમભાઈ તુર્ક અને જગદીશભાઈ ફફલની વરણી કરવામાં આવી છે.

ખજાનચી તરીકે અરસાન તુર્ક, સંગઠન મંત્રી તરીકે સિરાજ મલેક તથા હરિભાઈ ગઢવી, લીગલ એડવાઈઝર તરીકે ઇમ્તિયાઝ મોયડા અને સલાહકાર તરીકે દિવ્યેશભાઈ વૈધ તથા રાજ સંઘવીને જવાબદારી સોંપવામાં આવી છે. કારોબારી સભ્યો તરીકે આરીફ ખલીફા, શબિર તુર્ક, ભુવનેશ જોષી, ઇમરાન અવાડીયા, સેહબાજ ખોજા, અબ્દુલ માંજલીયા, પરેશ રાઠોડ, ગુલામ સમેજા અને નરસિંહ વિંઝોડાનો સમાવેશ કરાયો છે.

અંગત કારણોસર બેઠકમાં હાજર ન રહી શકેલા અજયભાઈ કોટક અને વિનોદભાઈ મહેતાએ નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી. આગામી સમયમાં તેમને પણ સંગઠનમાં જવાબદારી આપવામાં આવશે. અંતે નવનિયુક્ત પ્રમુખ રાહુલભાઈ દાવડાએ સૌનો આભાર વ્યક્ત કરી પત્રકારોના હિત માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande