

કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ મુંદ્રા તાલુકાના મોખા-પ્રાગપર રોડ પર ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટ્રેલર અને કન્ટેનરને રોકી તેની ઝીણવટભરી તપાસ કરતાં પોલીસને 185 ગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ.37 લાખ હોવાનું સામે આવ્યું છે. નશીલા પદાર્થનો જથ્થો મળી આવતાં પોલીસે સ્થળ પર જ કાર્યવાહી આગળ ધપાવી આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલો શખ્સ પંજાબના મોગા જિલ્લાનો 30 વર્ષીય કારનચીત કુલબીરસિંહ માનિસ હોવાનું સામે આવ્યું છે.
ડ્રગ્સ ઉપરાંત પોલીસે સમગ્ર કાર્યવાહી દરમિયાન ટ્રેલર અને કન્ટેનર સહિત અન્ય ચીજવસ્તુઓ પણ કબજે કરી છે. આરોપી પાસેથી બે મોબાઈલ ફોન, નશીલા પદાર્થનું વજન કરવા માટે ઉપયોગમાં લેવાતો ડિજિટલ વજનકાંટો અને રૂ.1.59 લાખ રોકડ મળી આવી હતી. વાહનો તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ.1.58 કરોડથી વધુની કિંમતનો સામાન પોલીસે કબજે કર્યો છે.
મુંદ્રા વિસ્તાર મહત્વના બંદર અને પરિવહન માર્ગો સાથે જોડાયેલો હોવાથી નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની આ કાર્યવાહી ખાસ મહત્વની માનવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ બાદ હવે પોલીસ હેરોઈનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની આગળ કોને સોંપવાનો હતો તે અંગે તપાસ કરી રહી છે.
આ ઉપરાંત સમગ્ર મામલામાં કોઈ મોટું આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સક્રિય છે કે કેમ, આરોપી સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને અગાઉ પણ આવી રીતે નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવી હતી કે કેમ તે દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. SOGની આ કાર્યવાહીથી ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar