

કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) : પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હથિયારધારા હેઠળના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. આરોપીની ધરપકડ સાથે તેની પાસેથી લાઇસન્સ કે જરૂરી પરવાનગી વગરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક પણ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપીની ઓળખ રમજુ ઉર્ફે ભાભો કાસમ ચૌહાણ, રહે. પૈયા, તા. ભુજ તરીકે થઈ છે. પધ્ધર પોલીસ સ્ટેશનમાં પાર્ટ-બી ગુ.ર.નં. 0521/2026 હેઠળ હથિયાર ધારાની કલમ 25(1)(બી-એ), 35 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ નોંધાયેલા ગુનામાં આરોપી પકડવાનો બાકી હતો.
દરમિયાન LCBના અશ્વિનભાઈ સોલંકી અને રાજેન્દ્રસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે ટીમે લાખોંદથી કાળીતલાવડી તરફ જતા રસ્તા પર ચંદુરવા ધામના ગેટ નજીક વોચ ગોઠવી હતી. બાતમીમાં જણાવેલા વર્ણન મુજબનો શખ્સ મળી આવતા પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ આરોપી પધ્ધર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે વધુ પૂછપરછ કરતાં આરોપીએ પોતાની પાસે બીજી એક દેશી બનાવટની બંદૂક હોવાનું જણાવ્યું હતું અને તે વાવડી સીમ વિસ્તારમાં સંતાડેલી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે સ્થળ તપાસ કરતાં ત્યાંથી સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક મળી આવી હતી. તેની અંદાજિત કિંમત રૂ.1,000 હોવાનું પોલીસે જણાવ્યું છે.
બંદૂક અંગે જરૂરી લાઇસન્સ કે પરવાનગીના પુરાવા માંગવામાં આવતા આરોપી પાસે કોઈ આધાર કે લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તેની વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટની સંબંધિત કલમો હેઠળ વધુ ગુનો નોંધાવી આરોપી અને કબ્જે કરાયેલા હથિયારને આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસને સોંપ્યા છે.આ કામગીરીમાં ASI સુરેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઈ સોલંકી, HC રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા અને વિક્રમસિંહ ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar