અમેરિકામાં લૂંટના ઇરાદે મહેસાણાના આખજના સુરેશ પટેલની હત્યા, વતન ગામમાં શોક
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : અમેરિકાના ટેનેસી સ્ટેટના જેકસન શહેરમાં લૂંટના ઇરાદે બુકાનીધારી શખ્સે ગોળીબાર કરતાં મૂળ મહેસાણાના આખજ ગામના વતની સુરેશ પટેલનું મોત થયું હતું. ઘટનાને પગલે આખજ ગામમાં શોકનો માહોલ છવાયો છે. સુરેશ પટેલ આશરે 30 વર્ષ પહેલાં પરિ
અમેરિકામાં લૂંટના ઇરાદે મહેસાણાના આખજના સુરેશ પટેલની હત્યા, વતન ગામમાં શોક


મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : અમેરિકાના ટેનેસી સ્ટેટના જેકસન શહેરમાં લૂંટના ઇરાદે બુકાનીધારી શખ્સે ગોળીબાર કરતાં મૂળ મહેસાણાના આખજ ગામના વતની સુરેશ પટેલનું મોત થયું હતું. ઘટનાને પગલે આખજ ગામમાં શોકનો માહોલ છવાયો છે. સુરેશ પટેલ આશરે 30 વર્ષ પહેલાં પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા અને એક સપ્તાહ પહેલાં જ જેકસનમાં પોતાનો નવો સ્ટોર શરૂ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, 20 ઓગસ્ટની રાત્રે આશરે 9 વાગ્યે સુરેશ પટેલ પોતાની 19 વર્ષીય પુત્રી સાથે સ્ટોર પર હાજર હતા. સ્ટોર બંધ કરી પુત્રી સાથે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક બુકાનીધારી લૂંટના ઇરાદે સ્ટોરમાં ઘૂસ્યો હતો. સુરેશ પટેલે પ્રતિકાર કર્યા વિના લૂંટ કરવા દીધી હતી. જોકે, પરત જતી વખતે લૂંટારુએ ગોળીબાર કરતાં સુરેશ પટેલનું પુત્રીની નજર સામે જ ઘટનાસ્થળે મોત થયું હતું.

આખજ ગામના વતની અને તાલુકા પંચાયતના ડેલિગેટ દિનેશ સુથારે જણાવ્યું હતું કે, સુરેશભાઈ આ જ ગામમાં અને પોતાના ઘરમાં મોટા થયા હતા. તેઓ 6 ભાઈઓમાં સૌથી નાના હતા.

સુરેશભાઈના ભાભી મંજુલાબેને જણાવ્યું કે, સુરેશભાઈને 3 દીકરીઓ છે, જેમાં એકના લગ્ન થઈ ગયા છે અને બે દીકરીના લગ્ન બાકી છે. પત્નીનું નામ જયશ્રીબેન છે. બે મહિના પહેલાં તેઓ પોતાના પતિ બળદેવભાઈ સાથે અમેરિકા ગયા હતા, ત્યારે સુરેશભાઈને મળ્યા હતા. બે વર્ષ પહેલાં મોટી દીકરીના લગ્નની ખરીદી માટે સુરેશભાઈ આખજ ગામે આવ્યા હતા. પરિવારના મોટાભાગના સભ્યો અમેરિકા રહેતા હોવાથી અંતિમવિધિ પણ ત્યાં જ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande