વિડજમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ ઝડપાઈ, રૂ.4.76 લાખનો મુદ્દામાલ કબજે
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે મહેસાણા એલસીબીએ કાર્યવાહી કરી વિડજ ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. પોલીસે અલગ-અલગ બે સ્થળે દરોડા પાડી કુલ 18,000 લીટર દેશી દારૂ ગાળવાનો
વિડજમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ ઝડપાઈ, રૂ.4.76 લાખનો મુદ્દામાલ કબજે


મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે મહેસાણા એલસીબીએ કાર્યવાહી કરી વિડજ ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. પોલીસે અલગ-અલગ બે સ્થળે દરોડા પાડી કુલ 18,000 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ અને 120 લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.4.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મહેસાણા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી એલસીબી દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાને બાતમી મળી હતી કે, વિડજ ગામની સીમમાં પોયણી તલાવડીના કિનારે બાવળની ઝાડીમાં કેટલાક ઇસમોએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ બનાવી છે. બાતમીના આધારે PSI એ.ડી. કાકરેચાની ટીમે પંચો સાથે દરોડો પાડતાં ભઠ્ઠીઓ ચાલુ હાલતમાં મળી આવી હતી. સ્થળ પરથી 13,000 લીટર વોશ અને 120 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

આ ઉપરાંત વિડજ ગામમાં ઠાકોર જીગરજી ઉર્ફે જીગો જીલુજીના ઘર આગળ પણ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી. અહીંથી 5,000 લીટર વોશ મળી આવ્યો હતો. બંને સ્થળેથી 90 પ્લાસ્ટિકના પીપ તથા દારૂ ગાળવાના સાધનો પણ મળી આવ્યા હતા, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

ત્રણ આરોપીઓ હાજર ન મળી આવતાં તેમના વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ-અલગ બે ગુના નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande