
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશે શનિવારે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ભીલડી અને પાલનપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા કામો, યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા અને નિર્માણ કામગીરીની ગુણવત્તા અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
મહેસાણા સ્ટેશન પર DRMએ વિવિધ પ્લેટફોર્મ, યાત્રી સુવિધાઓ, પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છતા અને સંચાલન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. યાત્રીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
પાટણ સ્ટેશન પર નિર્માણાધીન ફુટ ઓવરબ્રિજના કામની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આશરે 12 મીટર પહોળા FOBમાં લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત સ્ટેશન બિલ્ડિંગ, પ્રતિક્ષાલય અને પ્લેટફોર્મનું નિરીક્ષણ કરાયું હતું.
ભીલડી સ્ટેશન પર પ્રતિક્ષાલય, શૌચાલય, રનિંગ રૂમ, લૉબી, રિટાયરિંગ રૂમ, લિફ્ટ તથા વિવિધ કાર્યાલયોની મુલાકાત લઈ વિકાસ કામોની સ્થિતિ જાણી હતી. સ્થાનિક દુકાનદારો અને લોકો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ પણ જાણી હતી.
પાલનપુર સ્ટેશન પર પ્લેટફોર્મ, પ્રતિક્ષાલય અને રિટાયરિંગ રૂમનું નિરીક્ષણ કર્યા બાદ ધારાસભ્ય અનિકેત ઠાકર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં રોડ અંડરબ્રિજ, લેવલ ક્રોસિંગ અને રોડ ઓવરબ્રિજ સહિતના રેલવે વિકાસ કામો તથા યાત્રી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR